સુપરસિડ બાદ અધિકારીઓની હસ્તક આવેલો મોરબી નગરપાલિકાનો વહીવટ અને સમસ્યાઓનો ઉકેલ કરવામાં નિષફળ પુરવાર થતા આજે માથું ભમી જાય એવું શહેર ગંદુ ગોબરુ થઈ ગયું છે. પાણી, ગટર,લાઈટ સહિત દરેક પ્રકારની સમસ્યાથી માટે સામાન્ય પછાત અને મધ્યમ અને હવે ઉચ્ચ વર્ગ એટલે ગર્ભ શ્રીમંત વિસ્તાર પણ અકળાઈ ઉઠ્યો છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકી અને ઉભરાતી ગટરની ગંદકી હોવા છતાં તંત્ર અને નેતાઓ એકદમ ચુપચાપ તમાશો નિહાળતા હોવાથી દરેક નાગરિકમાં તંત્ર પ્રત્યે ભારે ગુસ્સો છે. પણ કામધંધા અને નોકરી સહિત આજીવિકાને કારણે માણસો તંત્રને જવાબદારીનું ભાન કરાવી શકતા નથી. પણ એનો મતલબ એ નથી કે, શેર કમજોર હો ગયા.
મોરબીના રવાપર રોડ પર આવેલી વર્ધમાન સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાથી અને પીવાના પાણીની હાડમારી અંગે નગરપાલિકાને રજુઆત કરતા કહ્યું કે, તેમની સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું ગંદુ પાણી મિશ્રિત થઈને આવતું હોય અને ઉલરથી ભૂગર્ભ ચોકઅપ થઈ જવાથી ઘણા દિવસોથી પીવાના પાણીમાં ગંદુ પાણી ભળીને આવી રહ્યું હોવાથી આ દૂષિત પાણી પીવાથી ઝાડા-ઉલ્ટીનો રોગચાળો વકર્યો છે. આથી નગરપાલિકાના સંબંધિત વિભાગમાં રજૂઆત કરતાં જેટિંગ મશીન મોકલ્યું હોય પણ યોગ્ય સફાઈ નહિ કરી શકીએ તેવી અને સફાઈ કર્મચારીઓ પણ અલગ અલગ બહાનાબાજી ચલાવીને ચાલતી પકડતી હોવાથી સ્થાનિક લોકોનું આરોગ્ય ભગવાન ભરોસે થઈ ગયું છે.
ચૂંટણી અને વેરાની વસુલાત હથેળીમાં ચાંદ બતાવવા જેવા દિવાસ્વપ્ન
લોકોએ તેમજ સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે, ઘણા મહિનાઓ પહેલા સુપરસીડ થયા બાદ પાલિકાની હાલત બગડી છે. પ્રજાના એકેય કામો થતા જ નથી અને હવે તો સરકારે મોરબીને મહાપાલિકા બનાવવાની જાહેરાત કર્યા બાદ તેને સાકાર કરવામાં ઘણો સમય વીતી જશે ત્યાં સુધીમાં તો શહેરની ઘોર ખોદાય જશે.આથી આ વિસ્તારના લોકોએ તંત્રને જણાવ્યું હતું કે, અમે નગરપાલિકાના તમામ વેરા નિયમિત ભરતા હોય છતાં જૂની સમસ્યા ઉકેલી અને નવી સુવિધા આપવામાં તંત્રને કોની શેહ શરમ નડે છે ?