હળવદ : હળવદ તાલુકાના મંગળપુર ગામની સીમમાં વાડી ધરાવતા યુવાનની વાડીના શેઢે નાખવામાં આવેલ થાંભલા કાઢી રહેલા શેઢા પાડોશીઓને અટકાવતા આરોપીઓએ વાડી માલિક તેમજ તેમના પુત્ર અને ભત્રીજા પર હુમલો કરી ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા અને મંગળપુર ગામની સીમમાં વાડી ધરાવતા ફરિયાદી છગનભાઇ પોપટભાઈ કણઝારીયા ઉ.40એ આરોપી ગોરધન મોહનભાઈ સોનાગરા, ધર્મેન્દ્ર આંબારામભાઈ સોનાગરા, વાસુદેવ મોહનભાઇ સોનાગરા, કાંતાબેન વસુદેવભાઈ સોનાગરા અને રમીલા ધર્મેન્દ્રભાઈ સોનાગરા રહે.બધા વેગડવાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપીઓ ફરિયાદીની વાડીના શેઢે નાખેલા થાંભલા કાઢતા હોય જેથી ફરિયાદીના પુત્ર ગૌતમ અને ભત્રીજા પ્રવીણે થાંભલા કાઢવાની ના પાડતા આરોપીઓએ એકસંપ કરી લાકડી વડે ફરિયાદીનું માથું ફોડી નાખી પુત્ર અને ભત્રીજાને પણ બેફામ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.