ધક્કાવાળી મેલડી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા અભ્યાસ માટે ઉપયોગી નોટબુક અપાઈ
મોરબી : મોરબી શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા ધક્કાવાળી મેલડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણલક્ષી સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત પીએમ માધાપરવાડી કન્યા શાળા, માધાપરવાડી કુમાર શાળા તથા માધાપરવાડી માધ્યમિક શાળાના કુલ 860 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી ફૂલસ્કેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ધક્કાવાળી મેલડી ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષોથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા રાહતદરે દવાખાનું અને નિઃશુલ્ક દવાઓની સેવા, ગૌસેવા અંતર્ગત દરરોજ અંદાજે 50 મણ લીલા ઘાસનું વિતરણ, પક્ષીઓ માટે દર મહિને 10 મણ ચણની વ્યવસ્થા, દર રવિવાર અને મંગળવારે સવા મણ લાપસી તથા ગુંદી-ગાંઠિયાના પ્રસાદનું વિતરણ તેમજ દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન જેવા સેવાકીય પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે.
ફૂલસ્કેપ બુક વિતરણ કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ઘનુભા જાડેજા, ઉપપ્રમુખ વિનુભાઈ ડાંગર, ખજાનચી શૈલેષભાઈ જાની, મંત્રી ધીરુભા જાડેજા તેમજ ટ્રસ્ટી કિશોરભાઈ અગ્રાવત, રમેશભાઈ સાંણદિયા, ભાવેશકુમાર મહેતા, નરેન્દ્રસિંહ રાણા, દિગુભા જાડેજા, ગજુભા ચુડાસમા સહિત ટ્રસ્ટના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સમગ્ર વ્યવસ્થાપન અરવિંદભાઈ કૈલાએ સંભાળ્યું હતું.