Tuesday - Jul 28, 2026

મોરબીમાં દૂષિત પાણી વિતરણ છતાં પણ હજુ યોગ્ય કાર્યવાહીમાં વિલબના અભાવે જન આરોગ્ય રામભરોસે

મોરબીમાં દૂષિત પાણી વિતરણ છતાં પણ હજુ યોગ્ય કાર્યવાહીમાં વિલબના અભાવે જન આરોગ્ય રામભરોસે

વરસાદી પાણી માટી સાથે ભળીને મચ્છુ ડેમમાં આવતા દૂષિત પાણીની સમસ્યા સર્જાયનો પાણી પુરવઠા અધિકારીનો બચાવ

(અશ્વિન રાઠોડ - “સ્વયમ્'ભૂ”- RB ન્યુઝ ગ્રાઉન્ડ રિપોર્ટ) : મોરબીમાં લાંબા અરસા બાદ મેઘરાજાએ અપાર કૃપા વરસાવી ચાલુ વર્ષે જુલાઈ માસમાં જ એક જ દિવસમાં સૌથી મોટા જળભંડાર અને મોરબીની જીવાદોરી ગણાતા મચ્છુ -2 ડેમને ભરીને ઓવરફ્લો કરી દેતા આખા વર્ષનું જળ સંકટ એક ઝાટકે દૂર થયું છે. પરંતુ એની સાથે લોકોમાં મનમાં સ્વાસ્થને લઈને પણ ગંભીર ચિતાનો પણ ઉમેરો થયો છે. ગંભીર ચિતા એ બાબતની છે કે, જે દિવસથી મચ્છુ-ડેમ ભરાયો તે એટલે છેલ્લા ત્રણ દિવસથી આખા શહેર અને આસપાસના વિસ્તારોમાં દૂષિત પાણી આવી રહ્યું છે. દરેક ઘરમાં નળ વાટે અત્યાર સુધી શુદ્ધ પાણી આવતું હતું એના બદલે દૂષિત પાણી આવતા લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય ગયું છે. લોકોની ફરિયાદ મુજબ આ પાણી પીવામાં તો કોઈ કાળે ઉપયોગમાં લઇ શકાય એમ નથી. એટલું જ નહીં સ્નાન, કપડા ધોવા કે અન્ય વપરાશમાં પણ ઉપયોગમાં લઇ શકાય નહીં એટલું ગટર જેવું ગંદુ પાણી આવે છે. આ પાણી જોઈને મનમાં ધ્રાસ્કો પડે છે. તો એનો ઉપયોગ કેમ કરવો એવું લોકોએ જણાવ્યું હતું. એની સામે પાણી પુરવઠાના અધિકારીએ લોકોને શુદ્ધ પાણી આપવાને બદલે વરસાદ સાથે માટી ભળતા આ માટી સાથે ભેળેલું પાણી મચ્છુ ડેમમાં આવતા દૂષિત પાણીની સમસ્યા સર્જાય હોવાનું કહીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા છે. તેથી લોકોનું આરોગ્ય રામભરોસે મુકાય ગયું છે.

મોરબીમાં દૂષિત પાણી વિતરણ છતાં પણ હજુ યોગ્ય કાર્યવાહીમાં વિલબના અભાવે જન આરોગ્ય રામભરોસે

હજુ બે ત્રણ દિવસ દૂષિત પાણી આવશે

દૂષિત પાણી વિતરણ મામલે પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક મહેશ દામાએ જણાવ્યું છે કે, હાલ નજરબાગ પાસેનો ફિલ્ટર પ્લાન્ટ વિસ્તાર મહાનગર પાલિકામાં ભળી ગયો છે  તેમજ હાલ ચોમાસાં કારણે વરસાદી પાણી ડેમમાં આવતું હોય છે જેથી માટી પણ પાણીમાં ભળતી હોવાથી ડહોળું દેખાઈ છે. હાલ અમે ત્યાં ક્લોરીનેશન કરી પાણી વિતરણ થાય છે.અને હજુ બે ત્રણ દિવસ આવું દૂષિત પાણી આવશે. બાદમાં ફરી ચોખ્ખું પાણી મળતું થશે. પરંતુ ત્રણ દિવસ દૂષિત પાણી લોકો પીવામાં કે વાપરવામાં ઉપયોગ ન કરી શક્યા. એટલે અશુદ્ધ પાણી કોઈ કાળે ન ચાલે છતાં પણ હજુ અધિકારી બે ત્રણ દિવસની રાહ જોવાનું કહીને લોકોને શુદ્ધ પાણી આપવાની જવાબદારીમાંથી છટકી જવાનો હીન પ્રયાસ કરતા હોય એવું ચિત્ર ઉપસ્યું છે.

મોરબીમાં દૂષિત પાણી વિતરણ છતાં પણ હજુ યોગ્ય કાર્યવાહીમાં વિલબના અભાવે જન આરોગ્ય રામભરોસે

હજુ પણ નમૂના લઈને તપાસ કરવાનું રટણ

મોરબી મહાનગરપાલિકા પાલિકાના વોટર વર્ક્સ વિભાગના ઇજનેર પ્રશાંત કંઝારિયાના જણાવ્યા મુજબ દુષિત પાણી આવતું હોવાની ફરિયાદ મળી છે. આથી અમારા દ્વારા પાણીના નમૂના લેવામાં આવી રહ્યા છે જેની યોગ્ય તપાસ થશે. હાલ લીલાપર તરફના ફિલ્ટર પ્લાન ચાલુ છે સામાકાંઠાનો ફિલ્ટર પ્લાન્ટ હજુ પાણી પુરવઠા વિભાગ હસ્તક છે. અત્રે નોંધનીય છે કે, તેમણે હજુ પણ આ જપાણીના નમૂના લઈને તપાસ કરવાનું રટણ કર્યું છે. પરંતુ શુદ્ધ પાણી વિતરણ જલ્દીમાં જલ્દી થાય એવી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

મોરબીમાં દૂષિત પાણી વિતરણ છતાં પણ હજુ યોગ્ય કાર્યવાહીમાં વિલબના અભાવે જન આરોગ્ય રામભરોસે