મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે જીવનજયોતિ હાઇટસના ફલેટમાંથી રૂ.૯.૧૦ લાખના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો છે. આ ચોરી કોઈ બીજાએ નહિ પણ પાડોશીએ જ કરી હોવાનું ખુલ્યું છે. જેથી પોલીસે તેને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે રાજેશપાર્કમાં આવેલ જીવનજયોતિ હાઇટસના ફલેટમાંથી દરવાજાનો લોક ખોલી ફલેટમાંથી દાગીના સોનાના બલોયા જોડી-૧ તથા પેન્ડલબુટી જોડી-૧ તથા એક સોનાનો ચેઇન એક તોલાનો ચેઇન મળી કુલ કિ.રૂ.૯,૧૦,૦૦૦/- ની ચોરી થઈ હોવાની ફરીયાદના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી.
પોલીસે આ મામલે તપાસનો દૌર શરૂ કરતા ફ્લેટમા ચોરી કરનાર પાડોશી જ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે બાજુના ફ્લેટમાં રહેતા મીલનભાઇ લાલજીભાઇ ફેફર ઉ.વ.૨૯ને પકડી પુછપરછ કરતા તેને જણાવેલ કે તેમના પાડોશી બહારગામ જતા તેના ઘરે કોઇ હાજર ન હતા. જેથી દરવાજાનો લોક ખોલી ચોરી કરી હતી.
વધુમાં તેને ચોરી કરેલ દાગીના તેની શનાળા રોડ ઉપર આવેલ શુભ પ્લાયવુડ નામની દુકાનમાં રાખેલા હોવાનું જણાવતા તેમની દુકાનેથી ચોરીમાં ગયેલ તમામ સોનાના દાગીના કિ.રૂ.૯,૧૦,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.