મોરબી શહેર અને પંથકમાં મોટી સંખ્યામાં વસતા પાટીદારો તમામ રીતે સુખી સંપન્ન હોવાથી ઘણા અસામાજિક તત્વો બળજબરીથી નાણાં પડાવી લેવા શામ, દામ, દંડ ભેદની યુક્તિ વાપરી પાટીદારોને ટાર્ગેટ કરીને શાંતિથી જીવતા આ લોકોનું સુખ ચેન હરામ કરી નાખે છે. એટલી હદ સુધી આવા તત્વો હેરાન કરે છે કે, જ્યાં સુધી પાટીદારો ઘર છોડવા મજબુર ન બને કે આત્મહત્યા ન કરી લે ત્યાં સુધી જંપ લેતા નથી. આથી પાટીદારો આવા તત્વો સામે લડી લેવા મેદાને આવ્યા છે. મોરબી પંથકના મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો કલેકટર કચેરીએ ઉમટી પડ્યા હતા અને કલેકટર સમક્ષ કા રક્ષણ આપો, અથવા જાતે સ્વરક્ષણ મેળવવા પિસ્તોલ જેવા હથિયારોના પરવાના આપવાની માંગ કરી છે.
મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાટીદાર સમાજની મોટી વસ્તી હોય આ તમામ પાટીદારો આર્થિક રીતે સધ્ધર હોવાથી આસાનીથી વ્યાજખોરિના વિષચક્રમાં ફસાય જાય છે.પાટીદારો ધંધા માટે વ્યાજખોરોના
સંપર્કમાં આવે છે.એટલે વ્યાજખોરી આવી તકનો ગેરલાભ ઉઠાવી જેટલા પાટીદારી પાસે નાણા હોય એ બધા જ નાણાં પડાવી લે છે. વ્યાજ અને મુદ્દલ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો પીછો છોડતા નથી.આ અંગે પાટીદાર સમાજના અગ્રણી મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે, મોરબીમાં પાટીદારો સૌથી વધુ વ્યાજખોરોના ત્રાસથી પીડિત છે. આજે આવેદન આપવા મોટી સંખ્યામાં જે યુવાનો ભેગા થયા છે. તેમાંથી કોઈને કોઈ સીધી કે આડકતરી રીતે લુખ્ખા તત્વો કે વ્યાજખોરોના ભોગ બનેલા છે. આ ઉપરાંત બીજા યુવાનો અપહરણ, હનીટ્રેપ, ખંડણી સહિતની ગુનાખોરીનો ભોગ બનેલા છે. આવા યુવાનો અને તેના પરિવારો આબરૂ જવાની બીકે અસામાજિક તત્વોના શરણે થઈ જાય છે. ઘણીવાર કોઈ મો બતાવવા લાયક ના રહેતા હોય તેવી બીકને કારણે આત્મહત્યા કરવી પડે છે અથવા એ પરિવારને ગામ છોડવું પડે છે. પાટીદારોને સુખચેનથી રહેવા દેતા નથી, આ માટે કોઈ ટોળકી મેદાને આવી હોય એમ પાટીદારોને હેરાન કરીને ઊંઘ હરામ કરી નાખી છે.આથી આવા તત્વો સામે લડવા પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી છે. આ સંઘની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં સ્વ રક્ષણ માટે હથિયારોનો પરવાનો આપવા કલેકટરને આવેદન આપવાનું નક્કી કર્યું હતું. એ મુજબ આજે મોટાભાગના પાટીદાર યુવાનોએ આ અંગે કલેકટરને આવેદન આપ્યું છે.
પોલીસ તંત્ર અને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ છે
મનોજભાઈ પનારાએ જણાવ્યું હતું કે, અમે પણ જાણીએ છીએ કે, એટલા બધા લોકોને હથિયારોનો પરવાનો મળવાનો નથી.પણ એનાથી પોલીસ તંત્ર અને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ છે. તેઓએ એવો આક્ષેપ કર્યો હતો કે, પોલીસ તંત્ર ગુનેગારોને છાવરી રહ્યું છે, પહેલા તો ભોગ બનનારની ફરિયાદ લેવામાં ઢીલ કરે અને ફરિયાદ પહેલા જ આરોપીઓને જાણ કરી દે છે. જેથી આવા તત્વો ભોગ બનનાર પાસે જઈને તે ફરિયાદ કરીને મારો કોઈ વાળ વાંકો કરી શક્યો નથી. એવી શેખી મારે છે અને આ બાબતમાં ગૃહ વિભાગ પણ કઈ પગલાં ભરતું નથી. તેથી સરકાર અને તંત્ર સમક્ષ કા તો પાટીદારોને રક્ષણ આપી અથવા સ્વરક્ષણ માટે પિસ્તોલ જેવા હથિયારોનો પરવાનો આપે, આ માટે 500 જેટલી અરજી કરાશે.
લીધા દીધા વગર યુવાનોને ફસાવે છે
તેઓએ વધુમાં કહ્યું હતું કે, મારી પાસે બેથી ત્રણ બનાવ એવા સામે આવ્યા કે, જેમાં બે 18 વર્ષના કોલેજીયન યુવાનો લીધા દીધા વગર ફસાયા છે. આવા યુવાનો મિત્રતાના બહાને બોલાવે છે .પછી એ યુવાનો ઘરે ગયા બાદ ફોન કરીને કહે છે કે તું મારી પાસેથી રૂપિયાની લઈ ગયો છો એ રૂપિયા આપી દે નહિતર સમાજમાં તને બદનામ કરી દઈશ. તેમ કહીને મોટી રકમ પડાવી લે છે. હકીકતમાં આ યુવાનોએ કોઈપણ જાતના પૈસા લીધા હોતાં નથી. કે કોઈ ખોટું કામ પણ કર્યું હોતું નથી. તેમ છતાં ફસાવે ત્યારે અમારે કહેવું પડે છે કે, હવે યુદ્ધ એ જ કલ્યાણ.