રવિવારે સમૂહ યજ્ઞોપવીત સંસ્કારમાં 48 બટુકો જનોઈ ધારણ કરશે
મોરબી : મોરબીમાં રઘુવંશી સમાજમાં 16 વર્ષ બાદ સમૂહ યજ્ઞોપવીતનો રૂડો અવસર આવ્યો હોવાથી આ પ્રસંગને અદભુત રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મોરબીમાં રઘુવંશી સમાજની એકતા અને સંસ્કારના જતન માટે કાયમ સેવારત રઘુવંશી યુવક મંડળ દ્વારા 5મા સમૂહ યજ્ઞોપવીત સંસ્કારને રંગેચંગે ઉજવવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ મહોત્સવ તા.3-05-2026ને રવિવારના રોજ મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા વૈદેહી પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. જેમાં સમાજના 48 બટુકો જનોઈ ધારણ કરશે.
રઘુવંશી યુવક મંડળ દ્વારા આ સમૂહ જનોઈનો ઉત્સવ 16 વર્ષ પછી યોજાઈ રહ્યો સમગ્ર સમાજમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે છેલ્લે વર્ષ 2010માં આ સમૂહ જનોઈ ધારણનો કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે મંડળના આયોજન હેઠળ કુલ 48 બટુકો યજ્ઞોપવીત સંસ્કાર ગ્રહણ કરી જનોઈ ધારણ કરશે. જેમાં તા.2-5ને શનિવારે રાત્રે 8 કલાકે રાસની રમઝટ, તા.3-05નેરવિવાર, સવારે 6-45 કલાકે મંડપ મુર્હુત, ગ્રહ શાંતિ, સવારે 9-45 કલાકે સમૂહ યજ્ઞોપવીત સંસ્કાર, દાતાઓ તથા મહાનુભાવોનો સન્માન સમારોહ, કાશી યાત્રા, ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજાશે. આ પવિત્ર પ્રસંગે સંત મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજ (ભાણ સાહેબ સમાધિ સ્થાન, કમીજલા) અને સાધ્વીજી હંસાગીરી માતાજી (ગિરનારી આશ્રમ, મોરબી) વિશેષ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પરિમલભાઈ મહેન્દ્રભાઈ ઠક્કર, સેક્રેટરી હાર્દિકભાઈ વિનોદભાઈ કાથરાણી, પ્રોજેકટ ચેરમેન વિરેનભાઈ હસમુખભાઈ પુજારા અને પ્રોજેકટ સેક્રેટરી નિખિલભાઈ પ્રવિણભાઈ પોપટ સહિતના હોદ્દેદારો અને સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.