હોલિકા માતાના આત્માની સદગતિ માટે અને જીવનમાં કોઈ વિઘ્ન ન આવે તેવી લગ્ન કરવાની અનોખી માન્યતા
મોરબી : રંગોત્સવના પર્વ ધુળેટીએ રંગોની બોછાર કરીને બેરંગી જિંદગીને કલરફુલ કરવાની અનાદિકાળથી ચાલી આવતી પરંપરા છે. પરંતુ ધુળેટીએ વેણી મા’ હોલિકાના શામજી બાપા સાથે લગ્ન કરવાનો અનોખો રિવાજ કદાચ કોઈએ સાંભળ્યો કે જોયાં પણ નહીં હોય. પણ હકીકતમાં મોરબીમાં સાત પેઢીથી ધુળેટીએ વેણી મા’ હોલિકાના શામજી બાપા સાથે લગ્ન કરવાની અનોખી પરંપરા ચાલી આવે છે. હોળી પ્રગટાવ્યાના બીજા દિવસે ‘શામજી બાપા’ અને ‘વેણી મા’ હોલિકા માતાના લગ્નનો પ્રસંગે ભક્તિભાવપૂર્વક ઉજવાય છે અને શામજી બાપાની વાજતે ગાજતે જાન કાઢી 15 જેટલા વિસ્તારોમાં ફેરવીને ભજન કીર્તનની રમઝટ બોલાવવામાં આવે છે.
મોરબીની વિવિધ વાડી વિસ્તારોમાં ભોલની વાડી, રંગાણીની વાડી, માંગણીની વાડી, મઘરની વાડી, શિયારની વાડી, જેપુરીયાની વાડી, કુચરની વાડી, બાવરાની વાડી, કપોરીની વાડી, અદાણીની વાડી તેમજ કૃષ્ણા પાર્ક અને કૈલાશ પાર્કમાં સાત પેઢીથી ધુળેટીએ અનોખી લગ્નની પરંપરા આજના મોર્ડન યુગમાં પણ જીવંત રહી છે. જેમાં શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર રાક્ષસી વૃત્તિ ઉપર દેવી શક્તિના વિજયરૂપે હોલિકા દહન કર્યા બાદ હોલિકાના આત્માની સદગતિ માટે અને જીવનમાં કોઈ વિઘ્ન ન આવે તેવી માન્યતાને અનુસરી ધુળેટીએ સાત પેઢીથી શામજી બાપાની જાન કાઢીને હોલિકા માતા સાથે તેમના લગ્ન ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. શામજી બાપાની જાન ભવ્યતાથી કાઢીને આ વાજતે-ગાજતે નીકળેલી જાનમાં લોકો અબીલ-ગુલાલની છોળો ઉડાડી ફટાણા તેમજ ભજન-કીર્તનની રમઝટ બોલાવે છે. ધુળેટીએ સવારથી શરૂ થતો આ અનોખો ધાર્મિક મહોત્સવ બપોરે 3 થી 4 વાગ્યા સુધી ચાલે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે.
ધાર્મિક આસ્થાની સાથે જીવદયાનો સંદેશ
અનોખો ધાર્મિક મહોત્સવ માત્ર પરંપરાને જીવત રાખવા પૂરતો સીમિત નથી. ધાર્મિક મહોત્સવની સાથે જીવદયા પ્રેમ દર્શાવવામાં આવે છે. આ જાન દરમિયાન એકત્ર થતો અંદાજે 1.5 થી 2 લાખ રૂપિયાનો ફાળો અબોલ જીવો માટે વાપરવામાં આવે છે. જેમાં કુતરાઓ માટે લાડુ અને ખોરાક, પક્ષીઓ માટે ચણ અને ગાયો માટે ઘાસચારો લેવામાં આવે છે. મોરબીની આ પરંપરા ધાર્મિક આસ્થાની સાથે જીવદયાનો સંદેશ પણ આપે છે.