મોરબી : ભારત દેશ સત્તાવાર રીતે પોલિયો મુક્ત જાહેર થઈ ચૂક્યો છે, પરંતુ આ વાયરસ ફરી ન ફેલાય તે માટે સાવચેતીના ભાગરૂપે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આગામી 28 થી 30 જૂન સુધી સમગ્ર જિલ્લામાં નાના બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ હેઠળ મોરબી જિલ્લા અને શહેરના 0 થી 5 વર્ષના કુલ 1,21,584 બાળકોને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવી સુરક્ષિત કરવામાં આવશે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા સુદ્રઢ આયોજન મુજબ, ઝુંબેશના પ્રથમ દિવસે એટલે કે 28 જૂન-રવિવારના રોજ જિલ્લાભરના 619 નિયત બૂથ પર પોલિયોના ટીપાં પીવડાવવામાં આવશે. જ્યારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય કર્મચારીઓની 1,137ટીમ દ્વારા બૂથ પર આવતા વંચિત રહી ગયેલા બાળકોને ઘરે-ઘરે જઈને આવરી લેવાશે. આ ઉપરાંત, શ્રમિક પરિવારોના બાળકો માટે ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારો સિરામિક સહિતના કારખાના, વાડી વિસ્તારો, સ્લમ વિસ્તારો તેમજ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, હાઈવે અને અન્ય જાહેર સ્થળો પર મોબાઈલ ટીમો દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવશે.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે કુલ 1,137 આરોગ્ય કર્મચારીઓની ટીમ મેદાનમાં ઉતરશે. સમગ્ર કામગીરીના સચોટ સુપરવિઝન માટે 118 રૂટ સુપરવાઈઝર, 30 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અને 6 અર્બન હેલ્થ સેન્ટર (UHC)ના મેડિકલ ઓફિસર્સ તેમજ 5 તાલુકા હેલ્થ ઓફિસર્સ સતત મોનિટરિંગ કરશે.
દેશને કાયમ માટે પોલિયો મુક્ત રાખવાના આ રાષ્ટ્રીય કર્તવ્યમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા અને 28 જૂન-રવિવારના રોજ પોતાના 0 થી 5 વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ અચૂક પોલિયોના ટીપાં પીવડાવવા મોરબીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહ દ્વારા જિલ્લાના તમામ નાગરિકો અને વાલીઓને અપીલ કરવામાં આવી છે.