Thursday - Jun 25, 2026

મોરબીમાં મેઇન્ટનેશના નામે કાયમી પાવર કાપ નાખતા પીજીવીસીએલની જોખમી બેદરકારી

મોરબીમાં મેઇન્ટનેશના નામે કાયમી પાવર કાપ નાખતા પીજીવીસીએલની જોખમી બેદરકારી

ભૂગર્ભમાં નાખવાના વીજ વાયરો બહાર આવી ગયા હોય તેમજ ખુલ્લા જમીનમાં પડ્યા હોય અને અડધા દાટેલા હોવા છતાં પીજીવીસીએલને દેખાતા જ નથી !

મોરબી : મોરબીમાં હવે ચોમાસાની સીઝન શરૂ થઈ ગઈ હોય એમ વરસાદ ગમે ત્યારે ત્રાટકે તેવી પરિસ્થિતિ વચ્ચે પીજીવીસીએલ તંત્રની ગંભીર અને જોખમી કહી શકાય એવી બેદરકારી સામે આવી છે. જેમાં છેલ્લા 10 દિવસથી પીજીવીસીએલ તંત્રએ પ્રિમોન્સૂન કામગીરી માટે મેઇન્ટનેશના નામેં એકપણ વિસ્તાર એવો બાકી નથી રાખ્યો કે જ્યાં આખા દિવસનો પાવર કાપ લાગુ કર્યો નહિ હોય . જો કે તંત્રએ મેઇન્ટનેશના નામે કઈ કામગીરી કરી તેંની પોલ વરસાદમાં જ ખુલી જ જશે. પરંતુ એ પહેલા ભૂગર્ભમાં નાખેલા વાયરો હોય એ જમીન ઉપર આવી ગયા છે. તેમજ ઘણી જગ્યાએ જમીન ઉપર કે વીજ પોલ ઉપર ખુલ્લામાં વાયરો લટકે છે. તો અમુક જગ્યાએ વાયરો જમીન અડધા જ દાટેલા દેખાય છે. જે વરસાદમાં જીવલેણ નીવડે એમ છે. છતાં તંત્રને એ વાયરો કેમ ન દેખાયા ? શુ એ મેઇટન્સની કામગીરી હેઠળ નથી આવતા તેવા સવાલ ઉઠ્યા છે.

મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરીને રજુઆત કરી હતી કે,શહેરમાં ઘણી જગ્યાએ ભૂગર્ભમાં નાખેલા વીજ વાયરો બહાર આવી ગયા છે. જેમાં મોરબી -2માં આવેલ મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડી અને કડિયા બોર્ડિંગ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા ભૂગર્ભમાં નાખેલા વાયર જમીનની ઉપરના ભાગમાં આવી ગયા છે. આ વાયરો નિયમ મુજબ ઊંડા નાખવાની જરૂર છે.નહિતર હમણાં વરસાદ પડશે ત્યારે આ વાયરોથી અઘટિત ઘટના બનવાની ભીતિ છે. જ્યારે કડિયા બોર્ડિંગ વિસ્તારમાં અને વોરાબાગ પાસે આ વીજ વાયરો માત્ર અડધો ફૂટ જેટલા જ જમીનની અંદર છે. હવે વરસાદ ગમે ત્યારે પડે એમ હોય ત્યારે આવી રીતે યોગ્ય રીતે કામગીરી કર્યા વગર છોડી દેવાયેલા વાયરોને કારણે જો કોઈ પણ પ્રકારની જનહાનિ થશે તો તેની સીધી જવાબદારી પીજીવીસીએલ તંત્રની રહેશે. આથી આવી કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં તાત્કાલિક ધોરણ નિયમ મુજબ વાયરોને જમીનમાં યોગ્ય ઊંડાઈએ નાખવાનું કામ શરૂ કરાવી આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ લાવવા માંગ કરી છે.