Tuesday - Sep 01, 2026

મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં સંગીતના સુમધુર સ્વરો સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાઓનો અનોખો સંગમ

મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં સંગીતના સુમધુર સ્વરો સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાઓનો અનોખો સંગમ

વિદ્યાર્થીઓએ હિન્દી અને સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત ગીતોની રજૂઆતથી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું

મોરબી : ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, ભારતીય સંસ્કૃતિ, એકતા, શિસ્ત તથા સંગીત પ્રત્યેની અભિરુચિ વિકસાવવાના હેતુથી રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા–2026નું આયોજન વેદાંત ગ્લોબલ સ્કૂલ, વાવડી મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાઓની ટીમોએ હિન્દી અને સંસ્કૃત ભાષામાં રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત ગીતોની રજૂઆત કરી સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું.

સ્પર્ધામાં કુલ 6 શાળાની ટીમોમાં વિદ્યાર્થીઓએ તાલ, લય, સ્વર, ઉચ્ચારણ, સમૂહ સંકલન અને ભાવ અભિવ્યક્તિ સાથે દેશપ્રેમના ગીતો રજૂ કર્યા હતા. એકસૂત્રતાથી કરાયેલી પ્રસ્તુતિને ઉપસ્થિત મહેમાનો, વાલીઓ અને શિક્ષકોએ તાળીઓથી વધાવી હતી. સામૂહિક ગાયનના માધ્યમથી વિદ્યાર્થીઓએ રાષ્ટ્ર પ્રત્યેની લાગણી, એકતા અને સમર્પણની ભાવના વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વેદાંત ગ્લોબલ સ્કૂલના સંચાલક હર્ષદભાઈ ગામી તથા એકદંત ડેન્ટલ ક્લિનિક અને RSSના નગર કાર્યવાહ ડૉ. ઉત્સવભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંસ્કાર, શિસ્ત, રાષ્ટ્રપ્રેમ અને એકતાનું મહત્ત્વ સમજાવી પોતાની પ્રતિભાને આત્મવિશ્વાસ સાથે આગળ વધારવા પ્રેરિત કર્યા હતા. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડૉ. અશ્વિનભાઈ બરાસરા અને ડૉ. પ્રેયશભાઈ પંડ્યાએ સેવા આપી હતી. તેમણે સ્વર, તાલ, લય, ઉચ્ચારણ, સમૂહ સંકલન, ભાવ અભિવ્યક્તિ તથા સમગ્ર પ્રસ્તુતિને આધારે ટીમોનું મૂલ્યાંકન કર્યું હતું. સ્પર્ધા બાદ વિદ્યાર્થીઓને સમૂહગાનમાં નિયમિત અભ્યાસ, યોગ્ય ઉચ્ચારણ અને સંકલનનું મહત્ત્વ સમજાવી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રથમ

સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ, મોરબીએ શ્રેષ્ઠ રજૂઆત સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નવયુગ સંકુલ, વિરપર દ્વિતીય તથા સાર્થક વિદ્યામંદિર, મોરબી–2 તૃતીય ક્રમે રહ્યા હતા. વિજેતા ટીમોને મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી. સાથે જ અન્ય ભાગ લેનાર વિદ્યાર્થીઓને પણ ઉત્સાહભેર ભાગ લેવા બદલ બિરદાવવામાં આવ્યા હતા. આ આયોજનમાં ભારત વિકાસ પરિષદ, મોરબી શાખાના રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાના સંયોજક મનહરભાઈ કુંડારીયા, સહસંયોજક પરેશભાઈ મિયાત્રા, કોષાધ્યક્ષ હિરેનભાઈ ધોરિયાણી, સચિવ વિશાલભાઈ બરાસરા, અધ્યક્ષ ચિરાગભાઈ હોથી, મોરબી જિલ્લા સંયોજક ડૉ. જયેશભાઈ પનારા, મહિલા સહભાગિતા કોમલબેન પનારા સહિત પંકજભાઈ ફેફર, ચેતનભાઈ સાણંદીયા, કૌશિકભાઈ અઘારા, વિનુભાઈ મકવાણા અને રાજેશભાઈ મોકાસણાની ઉપસ્થિતિ રહી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારત વિકાસ પરિષદ, મોરબી શાખાના સચિવ વિશાલભાઈ બરાસરાએ કર્યું હતું. સુવ્યવસ્થિત સંચાલન, વિદ્યાર્થીઓની રજૂઆતો અને રાષ્ટ્રભાવનાથી ભરપૂર વાતાવરણને કારણે આયોજન યાદગાર બન્યું હતું

મોરબીમાં રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં સંગીતના સુમધુર સ્વરો સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાઓનો અનોખો સંગમ