વાંકાનેરના સરતાનપર ગામે પીવાના પાણીની કારમી તંગી છે. કારણ કે, ગામમાં નર્મદાનું પાણી આવતું નથી. ગામમાં નર્મદાની પાઇપલાઇન નાખીને નર્મદાનું પાણી આપવાની ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. પણ હજુ સુધી આ દિશામાં કોઈ કાર્યવાહી ન કરતા વર્ષોથી જળ કટોકટીના કારણે ગામલોકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગામમાં નર્મદાની લાઈન જ નાખી નથી.આથી ગ્રામ પંચાયત દ્વારા ગામલોકોને ક્ષારયુક્ત બોરનું પાણી વિતરણ કરવું પડે છે અને લોકો પણ આ ક્ષારયુક્ત પાણી પીવા મજબુર બન્યા છે. ઘણીવાર બોરનું પાણી ખારું થઈ જાય ત્યારે ટેન્કરો મંગાવા પડે છે
વાંકાનેર તાલુકાના સરતાનપર ગામના સરપંચ અલુભાઈ ઉડેશાએ જણાવ્યું હતું કે, તેમનું ગામ રાજાશાહી વખતનું જુનું ગામ હોય આ ગામની 2000 જેટલી વસ્તી ખેતી પર નિર્ભર હોય છતાં સિંચાઇની સુવિધા ન હોવાથી ગામની ખેતી વરસાદ આધારિત છે. વરસાદ થાય ત્યારે એક પાક લઈ શકાય છે. ગામલોકોના આરોગ્ય માટે આરોગ્ય કેન્દ્રની સારી સવલત છે. આ ગામમાં પ્રાથમિક એટલે 1થી8 ધોરણની સ્કૂલ, આંગણવાડી, ગામની અંદરના રોડ રસ્તા 50% કમ્પલેટ, 100% ટકા ભુગર્ભ ગટરની વ્યવસ્થા કમ્પલેટ છે કચરાના નિકાલ માટે કોઇ સગવડ આપી ન હોવા ગ્રામ પંચાયતને જાતે જ કચરાનો નિકાલ કરવો પડે છે. આ ગામથી બીજા ગામ જવાના ઢુંવા, પાનેલી, વિરપર ગામને જોડતો મુખ્ય માર્ગ કાચો હોય અને પાનેલી રસ્તો ખૂબ જ કાચો અને ખખડધજ હોવાથી વહેલાસર આ ગામોના રસ્તા પાકા બનાવવાની ભારે જરૂરત છે.