ભીખ્ખુ પ્રજ્ઞારતન થેરોના હસ્તે ધમ્માર્પણ સંસ્કાર થશે
મોરબી : મોરબીમાં બુદ્ધ વિહારનું ભવ્યાતિભવ્ય રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ રવિવારે બુદ્ધ વિહારનો ધમ્માર્પણનો કાર્યક્રમ ભવ્ય રીતે આયોજિત કરાયો હોવાથી બોધિષ્ઠો,ધમ્મ ઉપાસક, ઉપાસિકાઓ અને ભીમ અનુયાયીઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યા છે. આ કાર્યક્રમમાં બોધિષ્ઠો મોટી સંખ્યામાં ઉમટી પડવાના હોવાથી તમામ પ્રકારની વ્યવસ્થાઓ એકદમ સઘન બનાવવામાં આવી છે
મોરબીમાં ધમ્મ ઉપાસક, ઉપાસિકાઓ અને ભીમ અનુયાયીઓના તન, મન અને ધનના સહયોગથી બૌદ્ધોના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન બુદ્ધ વિહારનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ નવનિર્મિત બૌદ્ધ વિહાર હવે બૌદ્ધ ધમ્મ અનુયાયીઓ માટે ધમ્માર્પણ થવા જઈ રહ્યું છે. જેમાં મોરબી શહેરમાં આવેલા વિજયનગરમાં સમ્રાટ અશોક બૌદ્ધ વિહાર ખાતે તા 17-5-2026, રવિવારના રોજ સવારે 9 કલાકે આ ધમ્માર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભીખ્ખુ પ્રજ્ઞારતન થેરોના પાવન હસ્તે ધમ્માર્પણ સંસ્કાર કરવામાં આવશે. જેમાં આ ભવ્ય કાર્યક્રમની રૂપરેખા મુજબ સવારે 9 કલાકે રોહિદાસપરા સ્થિત ડો. આંબેડકરની પ્રતિમાથી સમ્રાટ અશોક બૌદ્ધવિહાર સુધી ધમ્મયાત્રા, સવારે 10 કલાકે મૂર્તિ પ્રતિક સ્થાપન અને દીપ પ્રાગટ્ય, સવારે 10:30 કલાકે બુદ્ધ વંદના અને ધમ્મ દેશના, સવારે 11 કલાકે પ્રાસંગિક પ્રવચન અને બપોરે 12:30 કલાકે મૈત્રી ભોજન યોજાશે. આ કાર્યક્રમમાં તમામ લોકોને સફેદ વસ્ત્રોમાં હાજરી આપવા માટે સમ્રાટ અશોક બૌદ્ધવિહાર નિર્માણ સમિતિ, મોરબી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.