મોરબી : “પરોપકારાય ફલંતિ વૃક્ષાઃ, પરોપકારાય વહંતિ નદ્યઃ” અર્થાત્, વૃક્ષો જેમ પરોપકાર માટે ફળ આપે છે અને નદીઓ પરોપકાર માટે વહે છે, તેમ સજ્જનોનું જીવન પણ સમાજસેવા માટે સમર્પિત હોય છે. એ બાબતને મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ ખરા અર્થમાં સાર્થક કરી હાલ કાળઝાળ ગરમીથી લોકોને રાહત આપવા 1200 ગ્લાસ કેરીના પન્નાંનું વિતરણ કર્યું હતું.
કાળઝાળ ગરમી અને તાપમાનની વિકટ પરિસ્થિતિ વચ્ચે રાહદારીઓ તથા જરૂરિયાતમંદોને શીતળતા અને રાહત મળે તે હેતુથી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંદાજિત 1200 ગ્લાસ “કેરીનું પન્નું” તૈયાર કરી લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય માત્ર પેય વિતરણ પૂરતું ન રહી માનવતા, કરુણા અને સમાજપ્રતિની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું.. ભયંકર ગરમી હોવા છતાં મુસ્કાન પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી સેવા કાર્યને સફળ બનાવ્યું હતું. તેમજ મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા સમયાંતરે આવા સેવાકીય અને જનકલ્યાણકારી કાર્યક્રમો યોજાઈ સમાજમાં માનવતા અને સહઅસ્તિત્વનો સંદેશ પ્રસરાવવામાં આવી રહ્યો છે.