Saturday - May 16, 2026

માળીયામાં કેમિકલના રસાયણોનું મિશ્રણ કરી નકલી દારૂ વેચવાના કૌભાંડનો પર્દાફાશ

માળીયામાં કેમિકલના રસાયણોનું મિશ્રણ કરી નકલી દારૂ વેચવાના કૌભાંડનો પર્દાફાશ

મોરબી જિલ્લામાં થોડા સમયમાં બીજી નકલી દારૂની ફેકટરી ઝડપાઇ

રૂ.૨,૭૯,૭૦૫ ના મુદામાલ સાથે બે ઝડપાયા અને ચારના નામો ખુલ્યા

મોરબી : મોરબીના લાલપર નજીક થોડા મહિના પહેલા નકલી વિદેશી દારૂ બનાવતી ફેકટરી ઝડપાયા બાદ હવે માળિયા નજીક બીજી નકલી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ જતા પોલીસ કરતા બુટલેગરોની વધુ હિંમત હોવાનું બહાર આવ્યું છે. એક આખી  ટોળકી માળિયાના દેવગઢ ગામે જુદા જુદા કેમિકલનું મિશ્રણ કરી નકલી દારૂ બનાવીને વેચતી હતી. નકલી દારૂના ગોરખધંધામાં પોલીસે રૂ.૨,૭૯,૭૦૫ ના મુદામાલ સાથે બેને ઝડપી લઈ  ચારના નામો ખોલાવ્યા છે.

માળીયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેતા જયદીપભાઇ જીવણભાઇ સવસેટા તથા જયરાજભાઇ જીવણભાઇ સવસેટા નામના બન્ને ભાઇઓ પોતાના રહેણાંક મકાનોમાં  જુદા જુદા કેમિકલ્સના પ્રવાહીનું મિશ્રણ કરી નકલી વિદેશી દારૂની ખાલી બોટલમાં થોડા દારૂ સાથે કેમિકલ ભરીને બોટલ અને ઢાંકણામાં પેકિંગ કરી નકલી દારૂનો વેપલો કરતા હોવાની નક્કર બાતમી મળતા મોરબી એલસીબીએ એ બને બુટલેગરોના મકાનમાં દરોડો પડ્યો હતો. એલસીબીએ ઇંગ્લીશ દારૂ, ખાલી બોટલો, સ્ટીકરો, ઢાંકણા, વિગેરે સાધન સામગ્રી મળી આવતા માળીયા મિયાણા તાલુકા પોલીસ મથકે ગુન્હો પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો કર્યો છે.

નકલી વિદેશી દારૂ બનાવવાના આ ચકચારી પ્રકરણમાં એલસીબી પોલીસે પકડાયેલા બે બુટલેગરોની ધરપકડ કરી છે અને આરોપીઓની પૂછતાછમાં અલ્તાફભાઇ ઉર્ફે રાજા સોકતભાઇ ખોડ રહે. મોરબી જોન્સનગર, કિશન ઉર્ફે કાનો અશોકભાઇ પાટડીયા રહે.નાની વાવડી, તા.જી.મોરબી, લકકીરાજસિંહ દરબાર, ચિરાગ રહે.મોરબી, સાજીદ ઉર્ફે સાજલો લધાણી રહે.મોરબી અને બાલો સતવારો રહે.મોરબી વાળાના નામ ખુલ્યા છે, જેમાં લક્કીરાજસિંહ દરબાર વિરુદ્ધ આગાઉ પણ દારૂ મામલે કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. નકલી દારૂની ફેકટરી મામલે હાલમાં મોરબી પોલીસે વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ વ્હીસ્કીની બોટલો સહિતનો કુલ.૨,૭૯,૭૦૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.