Saturday - Apr 25, 2026

મોરબીમાં માસૂમ બાળકી ઉપર હેવાનીયતભર્યું દુષ્કર્મ કરનાર નરાધમને 20 વર્ષની કેદ

મોરબીમાં માસૂમ બાળકી ઉપર હેવાનીયતભર્યું દુષ્કર્મ કરનાર નરાધમને 20 વર્ષની કેદ

મોરબી નજીક ઔદ્યોગિક એકમમાં શ્રમિક પરિવારની માસૂમ બાળકીને હવસનો શિકાર બનાવવા માટે પહેલા કોઈ વસ્તુની લાલચ આપી પોતાની ઓરડીમાં લઇ જઇને આ પોતાની પુત્રી જેવડી બાળકી ઉપર રાક્ષસોને પણ શરમાવે તેવું નરાધમે હેવાનીયતભર્યું દુષ્કર્મ આચારીને સમાજને શર્મસાર કરવાનો ગંભીર કેસ આજે મોરબીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે  સજ્જડ પુરાવા અને સરકારી વકીલની ધારદાર દલીલોને આધારે આ નરાધમને દોષિત ઠેરવી 20 વર્ષની જેલની સજા ફટકારી છે.

આ ધૃણાસ્પદ કેસની હકીકતો જોઈએ તો મોરબી નજીક આવેલ એક ઔદ્યોગિક એકમમાં રહીને મજુરી કામ કરીને પેટિયું રળતા શ્રમિક પરિવારની માત્ર સાત વર્ષની ફૂલ સમાન માસૂમ પુત્રી ઉપર ગત તા.26,12, 2019ના રોજ ઘર પાસે રમતી હતી. તેના પિતા પોતાની માસૂમ પુત્રીને ઘરની બહાર રમવાનું કહી નીકળી ગયા હોય આ ઘર પાસે એકલી જ રમતી બાળકીને જોઈને ત્યાં જ રહેતા મોહરસિંગ ઉર્ફે મામૂ જમુનાપ્રસાદ ઉ.વ.32 નામના શખ્સની વાસના ભડકી ઉઠી હતી અને આ શખ્સના મનમાં હવસનું ભૂત એટલી હદે સવાર થઈ ગયું હતું કે તે સારા નરસાનું વિવેકભાન ગુમાવી પુત્રી જેવડી ઉંમરની આ બાળકી ઉપર ન કરવાનું અધમ કૃત્ય કરી બેઠો હતો. આ નરાધમે પહેલા બાળકીને હવસનો શિકાર બનાવવા તેણીને કોઈ વસ્તુની લાલચ આપી પોતાની ઓરડીમાં લઈ જઈ બાળકીને બટકું ભરી તેણી ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.આથી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીની હાલત જ તેની સાથે કુકર્મ થયું હોવાની ગવાહી આપતી હોય અને આ નરાધમની પાપલીલાનો ભાંડો ફૂટી જતા જે તે સમયે ભોગ બનનાર બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરીને આ ઘટનાનું કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. દરમિયાન આજે આ હેવાનીયતભર્યા કૃત્યનો કેસ મોરબીની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતા 16 મૌખિક અને 27 દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ નિરજભાઈ કારીયાની ધારદાર દલીલોને ધ્યાને લઇ કોર્ટે આરોપીને આ કેસમાં કસૂરવાર ઠેરવી તેને 20 વર્ષની જેલની કેદની સજા ફટકારી હતી. તેમજ પીડિતાને 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.