મોરબી : મોરબીના કંડલા બાયપાસ પાસે આવેલ મનુપાર્ક સોસાયટીમાં હિંસાની ઘટના સામે આવી છે. પોતાના મૃતક ભાઈનું બુલેટ મોટરસાયકલ પરત માંગવા જેવી સામાન્ય બાબતમાં એક શખ્સે તેના બે સાગરીતો સાથે મળી યુવાનના ઘરમાં ઘૂસી જઈ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવાનને માથામાં લાકડાનું બેટ ફટકારી અને લોખંડના સળિયા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મોરબીના કંડલા બાયપાસ રોડ પર મનુપાર્કમા રહેતા નિલેશભાઈ પુનાભાઈ વાળા (ઉ.વ.૪૦) એ આરોપી સાગર ઉર્ફે ચોટી નવઘણ મુંધવા તથા બે અજાણ્યા ઇસમો વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સાગર ઉર્ફે ચોટીએ ફરીયાદિના મરણ ગયેલ ભાઇ અજયભાઈનું બુલેટ મોટર સાયકલ રજી.નં.GJ-36-AQ-7077 વાળુ બારોબાર લઈ ગયેલ હોય જે બુલેટ ફરીયાદી આરોપી સાગર ઉર્ફે ચોટી પાસે અવાર નવાર પરત માંગતા હોય જેનો ખાર રાખી આરોપી સાગર ઉર્ફે ચોટી અજાણ્યા બે ઇસમ સાથે કાળા કલરનો સ્કોર્પીયો લઈને ફરીયાદીના ઘરમાં પુસી ફરીયાદીથી સાથે બોલાચાલી ઝગડો કરી આરોપીએ ફરીયાદીને લાકડાના બેટ વડે મારી ઇજા કરેલ તેમજ સાથે આવેલ અજાણ્યા એક ઈસમે ફરીયાદિને પકડી રાખી બીજા અજાણ્યા ઇસમે ફરીયાદિને લોખંડના સળિયા વડે માર મારી ઇજા કરી ફરીયાદીને બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.