Saturday - Jul 11, 2026

મોરબીમાં મનપાની ટીમ ઢોર પકડ ઝુંબેશમાં આખલાને બદલે માલધારીઓના પશુઓને જ પકડતી હોવાના આક્ષેપ

મોરબીમાં મનપાની ટીમ ઢોર પકડ ઝુંબેશમાં આખલાને બદલે માલધારીઓના પશુઓને જ પકડતી હોવાના આક્ષેપ

પશુઓ માટેના વાડા મંજુર કરો અથવા ઢોર પકડવાનું બંધ કરવાની માંગ સાથે માલધારીઓએ કલેકટરને આવેદન આપ્યું

મોરબી : મોરબીમાં મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરીનો આજે માલધારીઓએ મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ ઉમટીને વિરોધ નોંધાવ્યો હતો અને મહાનગરપાલિકાની ઢોર પકડ ઝુંબેશમાં આખલાઓને પકડવાને બદલે માલધારીઓના પશુઓને પકડતા હોવાના આક્ષેપ સાથે માલધારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં જિલ્લા કલેક્ટરને આવેદન આપી માલધારીઓના વાડા મંજુર કરી આપો, અથવા ઢોર પકડ કામગીરી બંધ કરો તેવી માંગ કરી હતી.

માલધારી સમાજના અગ્રણી રામજીભાઈ રબારીએ કલેકટરને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓ છેલ્લા ઘણા વર્ષોથી માલઢોર ઉપર જ પોતાનો અને પરિવારનો જીવન નિર્વાહ કરે છે. ત્યારે મોરબીમાં મહાપાલીકા બન્યા પછી તેમજ રાજય સરકાર દ્વારા જે પશુપાલક હોય તેને પશુ અંગે લાયસન્સ લેવું ફરજીયાત છે તેવું જણાવાયુ છે. પરંતુ લાયસન્સ ત્યારે મળે જે લોકો પાસે પોતાના નામે મિલકત હોય, પણ હાલ જે માલધારી પશુપાલક છે તેની પાસે વર્ષો થયા મુંગા પશુ બાંધવા માટેના વાડાઓ છે તે કાયદેસર કરવા અનેક વખત આ અગાઉ રજુઆત સરકાર તેમજ લાગતા વળગતા તમામ પાસે કરી છે. છતાં પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

ગ્રામ્ય વિસ્તારમાં આવેલા સરકારી ખરાબા તથા ગૌચરની જમીનમાં દબાણ થયા છે તે તાત્કાલીક દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા તથા માલધારીઓના માલીકીના મુંગા પશુઓ ને પકડવાની કાર્યવાહી મહાનગરપાલીકા દ્વારા કરવામાં આવે છે અને ચાર હજાર રૂપિયા જેવો ભારે દંડ કરવામાં આવે છે તે બંધ કરવાની માંગ છે. કારણ કે ગરીબ માલધારીઓ આ દંડ ભરી શકતા નથી અને તેનું ગુજરાન આ પશુઓ દ્વારા જ થાય છે તો ઢોર પકડવાની કાર્યવાહી બંધ કરી દંડની કાર્યવાહી બંધ કરવામાં આવે તેવી માંગ છે. હાલ મોરબી શહેર લીલાપર રોડ સહીત જે જગ્યાએ મુંગા પશુઓના માલધારી સમાજના વાડાઓ આવેલ છે તે કાયદેસર કરી આપવાની માંગ છે.