મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા હદ વિસ્તારમાં આવેલી જર્જરિત મિલકતોના માલિકો અને કબજેદારો માટે એક જાહેર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સંભવિત દુર્ઘટનાઓ નિવારવા તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે, આગામી ચોમાસા દરમિયાન વાવાઝોડા કે અતિભારે વરસાદના સમયે શહેરમાં આવેલી જર્જરિત મિલકતો કે મકાનો તૂટી પડવાની શક્યતા છે. આવી સ્થિતિમાં જાન-માલનું નુકસાન કે કોઈ જાનહાનિ ન થાય તે માટે મિલકત માલિકો અથવા કબજેદારોએ પોતાના કબજા ભોગવટા હેઠળની મિલકત તાત્કાલિક ઉતારી લેવી અથવા તેને સુરક્ષિત કરી લેવા જણાવાયું છે.
જો આ સૂચનાનું પાલન કરવામાં કસૂરવાર ઠરશો અને જર્જરિત મિલકત તૂટી પડવા કે ધરાશાયી થવાના પ્રસંગે પોતાના કે અન્યના કિંમતી માલસામાન કે ઘરવખરીને કોઈ નુકસાન થશે કે કોઈ અકસ્માત અને જાનહાનિ થશે, તો તેની અંગત જવાબદારી મિલકત માલિક કે કબજેદારની રહેશે. જે મિલકતોમાં સરકારી દાવા ચાલતા હોય તેવા કિસ્સાઓમાં કાયદાની જોગવાઈઓને આધીન રહીને અમલવારી કરવાની રહેશે.