મોરબી : મોરબી મહાનગરપાલિકા કરવેરા ભરવામાં ઉદાસીન રહેતા મોટા માથાઓ સામે આકરા પાણીએ થયું છે. જેમાં કરવેરા ભરવાની નોટિસો ફટકારવા છતાં આ નોટિસોને ઘોળીને પી જતા આસામીઓ સામે મનપાએ મિલકતની હરરાજીનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં 14 મિલકતોના બાકી વેરા ભરપાઈ ન થતા મહાપાલિકા દ્વારા જપ્તી વોરંટ બજાવી આ મિલકતોની 31મેએ કોમ્મ્યુનિટી હોલ ખાતે સવારે 10 વાગ્યે હરરાજી રાખી છે. પરંતુ આ હરરાજીના અંતિમ દિવસે એટલે તા.30 મે સુધીમાં જે આસામીઓ કરવેરા ભરશે તેની મિલકતની હરરાજી થશે નહીં.
મોરબી મહાનગરપાલિકા છેલ્લા ઘણા સમયથી બાકી કરવેરાની આકરાણી કરી રહી છે. અનેક નોટિસો આપવા છતાં આસામીઓ કરવેરા ભરવામાં ઠાગાઠૈયા કરે છે.ખાસ કરીને ટેક્સની મોટી રકમ બાકી હોય તેની મહાનગરપાલિકાએ યાદી તૈયાર કરી છે. જેમાં ગૌ શાળા રોડ ઉપર લોલમાન્ય ટાઇલ્સ વર્ક્સ પાસેથી રૂ.3,34,844, સો-ઓરડી ખાતે ધરોડિયા નરોતમભાઈ ચતુરભાઈ પાસેથી 2,62,939, વિનાયક પાર્ક ખાતે પટેલ કિશોરભાઈ ગોવિંદભાઈ પાસેથી ક્રમશઃ રૂ.1,92,771 તથા રૂ.2,17,330 તથા 2,17,330 તથા 2,17,330, દોશી ટાવર ખાતે દોશી એન્ડ મહેતા એન્ટરપ્રાઈઝ પાસેથી રૂ.2,62,200, વૃષભનગર ખાતે દાજીરાજસિંહ ખુમાનસિંહ પાસેથી રૂ.86,974, સોની બજાર ખાતે બાબુભાઇ કિરચંદ પાસેથી રૂ.72,622, સ્ટેશન રોડ ખાતે ઓમ એન્ટર નાભાગી જાડેજા નિરૂભા મૂળુભા પાસેથી રૂ.78,100 તથા 63,933, નવલખી ફાટક ખાતે પટેલ મણિલાલ મગનલાલ પાસેથી રૂ.72,852 તેમજ સરદાર રોડ ખાતે મહેતા તુષાર મધુકર પાસેથી રૂ.55,454નો વેરો બાકી છે. આ તમામ આસામીઓને અનેક નોટિસો ફટકારવા છતાં કરવેરા ભરવામાં દાદ નહિ દેતા મહાનગરપાલિકાએ તેમની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેમાં આ તમામની મિલ્કતોની તા.31ના રોજ હરાજી કરવામાં આવશે અને જો આસામીઓ 30મી સુધી બાકી કરવેરા ભરપાઈ કરી દેશે તો તેમની મિલ્કતની હરરાજી કરવામાં આવશે નહિ તેમ નાયબ કમિશનરે જણાવ્યું છે.