મોરબી મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની બેદરકારી આંખે ઉડીને વળગી છે. જેમાં સફાઈ કર્મચારીઓ જાહેર વિસ્તારમાં અને રોડ ઉપર ધૂળ અને કચરાની સફાઈ કરીને ત્યાંજ રોડ ઉપર ઢગલા ખડકીને ચાલતી પકડે છે. જાહેર રોડ ઉપર ધૂળના ઢગલા ખડકીને સફાઈ કર્મચારીઓ ઉપાડતા જ નથી. જાહેર રોડ ઉપર ધૂળની સફાઈ કરીને ઢગલા કરવાને બદલે તેનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ પણ એના બદલે સફાઈ કર્મીઓ જાહેરમાં ધૂળના ઢગલા ખડકીને કામની વેઠ ઉતારતા હોવા છતાં મનપા આવા કર્મચારીઓ સામે પગલાં લેતું ન હોવાથી લોકોમાં કચવાટની લાગણી જોવા મળી રહે છે.
મોરબીમાં વર્ષોથી રાત્રે સફાઇ અભિયાન ચલાવવામાં આવે છે. મનપાના રાત્રી સફાઈ કોન્ટ્રાક્ટ મુજબ ઘણા સફાઈ કર્મચારીઓ જાહેર રોડ ઉપર સફાઈ કરે છે. ખાસ કરીને રોડ ઉપર બન્ને બાજુએ પવનને કારણે ઉડી ઉડીને ધૂળના થર જામી ગયા હોય છે. આથી આ ધૂળનો સફાઈ કર્મચારીઓએ યોગ્ય નિકાલ કરવાનો હોય છે. જો કે સફાઈ કર્મચારીઓ રોડ ઉપર ધૂળની સફાઈ તો કરે જ છે. પણ દરરોજ ધૂળના ઢગલા રોડ ઉપર જ જેમની તેમ રાખી દેવામાં આવે છે. આથી આ અંગે જાગૃત નાગરિકો કહે છે કે, સફાઈ કર્મચારીઓ ધૂળના ઢગલા કરીને ઉપાડતા જ નથી. જો સફાઈ કર્મચારીઓને ધૂળની સફાઇ જ કરવી હોય તો ઢગલા ખડકીને ત્યાંજ રાખી દેવાનો મતલબ શુ? આવી રીતે તો વાહનચાલકો અને રાહદારીઓની મુશ્કેલી વધે છે. કારણ કે ધૂળના ઢગલા કર્યા હોય એના બીજા દિવસે પવનને કારણે ધૂળના ધગલમાંથી ધૂળ ઉડીને ફરી રોડ માથે પથરાઈ જાય છે. આવી રીતે તો ખુદ સફાઈ કર્મીઓનું કામ વધે છે અને ધૂળના ઢગલા કરીને કામમાં વેઠ ઉતારે છે.ઘણા સમયથી સફાઈ કર્મચારીઓ આવી લોલમલોલ ચલાવી રહ્યા છે.છતાં મનપા તંત્રની ઊંઘ ઊડતી ન હોવાથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે.