Monday - May 11, 2026

મધર ડે સ્પેશિયલ : પતિના અવસાન બાદ વાત્સલ્યમુર્તીએ જાત ઘસી નાખી ત્રણ પૂત્રો અને દિયરનું પણ ભવિષ્ય ઉજાળ્યું

મધર ડે સ્પેશિયલ : પતિના અવસાન બાદ વાત્સલ્યમુર્તીએ જાત ઘસી નાખી ત્રણ પૂત્રો અને દિયરનું પણ ભવિષ્ય ઉજાળ્યું

શિક્ષક તરીકેની નોકરીમાં 10 દિવસ ઓછા હોવાથી શરૂઆતના વર્ષોમાં પેન્શન ન મળતા તેમજ ટ્રેનના અકસ્માતમાં વળતર ન માતાએ સીવણ કામ કરી આજીવિકા અને પુત્રોને ભણાવવા કપરો સંઘર્ષ કરતા એક પુત્ર સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ગુજરાતી વિભાગમાં પ્રોફેસર બન્યા

( અશ્વિનભાઈ રાઠોડ "સ્વંયભુ") :  કવિ બોટાદકરની વાત્સલ્ય મૂર્તિ મમતા પ્રત્યેની અમર કાવ્ય પકિત "જનની જોડ નહિ જડે રે લોલ'..ને મોરબીના એક વાત્સલ્ય મૂર્તિ માતાએ ખરા અર્થમાં સાર્થક કરવા પોતાની જાતને ઘસી નાખી હતી. જેમાં મોરબીમાં રહેતા રમાબેન જેઠાલાલ મકવાણાના સુખી દામ્પત્યજીવનમાં વર્ષ 1982 દરમિયાન અણધારી આપતિરૂપે ઝંઝાવત સર્જાયો હતો. એમના શિક્ષક પતિ જેઠાલાલ તુલસીભાઈ મકવાણા દોશી હાઈસ્કૂલમાં ફરજ બજાવીને પરત આવતા હતા ત્યારે ખુલ્લી ફાટકે ટ્રેન અકસ્માતમાં તેમના શિક્ષક પતિનું અવસાન થયું હતું. પતિના આકસ્મિક અવસાનથી તેઓ આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા. પતિની દસ વર્ષની નોકરીમાં 10 દિવસ ઓછા હોવાથી શરૂઆતના વર્ષોમાં પેન્શન મળ્યું ન હતું. હવે કપરી પરિસ્થિતિ એવી આવી કે, સજ્જનપરમાં વર્ષ 1979 મચ્છુ જળ હોનારતમાં એમની બધી જ મરણમૂડી તણાય ગઈ હતી. માત્ર જીવ જ બચ્યા હતા. આથી રમાબેન એમના પતિ અને ત્રણ પુત્રો તેમજ દિયર સાથે મોરબીના સામાંકાંઠે સોઓરડીમાં ભાંડે મકાન રાખીને રહેતા હતા. પણ કુદરતને તેમનું આ સુખ પણ મંજુર ન હોય ઘરના આધારસ્તભ પતિને છીનવી લેતા એકબાજુ અકાળે પતિ ગુમાવ્યાનું દુઃખ હતું. તો બીજી બાજુ ત્રણેય પુત્રો અને દિયરના ઉછેર, ભણતર તેમજ આજીવિકાની જવાબદારી હતી. આથી તેઓ મનને મક્કમ બનાવી દ્રઢ મનોબળ સાથે જ સીવણ કામે લાગી ગયા હતા અને રોજ ઘરે આખો દિવસ અને મોડી રાત સુધી સીવણ કામ કરીને પુત્રોને ભણાવવા અને પરિવારનું ગુજરાન ચલાવવાના મુશ્કેલભરી કઠિન પરિસ્થિતિનો સામનો કર્યો હતો. એમણે આર્થિક પરિસ્થિતિ સાવ સામાન્ય હોવા છતાં ત્રણેય પુત્રોને કોઈ વાતે ઓછું આવવા દીધું ન હતું અને પુત્રો તેમજ દિયરની ખુશીને પોતાની ખુશી માનીને આ ચારેયને ભણતર અને જીવનનું ઘડતર કરવામાં પોતાની જાતને ઘસી નાખી હતી. તેથી માતાના આ સંઘર્ષને કારણે મોટા પુત્ર રાજેશભાઈ મકવાણા ઉચ્ચગુણ સાથે બીએ, એમફિલ, પીએચડી અને યુજીસીની પરીક્ષા પાસ કરી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતમાં ગુજરાતી વિભાગમાં પ્રોફેસર, ભારતીય સંત સાહિત્ય વિભાગમાં અધ્યક્ષ, ડો આંબેડકર સેન્ટર ઓફ એક્સિલન્સમાં નોડલ ઓફિસર અને યુનિવર્સિટીના પ્રોક્ટર તથા લાયઝન ઓફિસર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે અને બીજા પુત્ર અરવિંદભાઈ ગેજ્યુએટ થઈ મોરબીના સીરામીકમાં નોકરી અને નાના પુત્ર શૈલશભાઈ પણ ગેજ્યુએટ બની પોસ્ટ વિભાગમાં તેમજ દિયર ગુણવંતભાઈ ધો.12માં ફર્સ્ટ નંબર બાદ એન્જિનિયર સુધી ભણીને એલઆઈસીમાં ઉચ્ચ પદે નોકરી કરે છે. આ રીતે માતાએ આ ચારેયનું જીવન ઉજ્જવળ ન બન્યું ત્યાં સુધી કઠોર સંઘર્ષ કર્યે રાખ્યો હતો.

મધર ડે સ્પેશિયલ : પતિના અવસાન બાદ વાત્સલ્યમુર્તીએ જાત ઘસી નાખી ત્રણ પૂત્રો અને દિયરનું પણ ભવિષ્ય ઉજાળ્યું

11 વર્ષની લાંબી કાનૂની લડાઈના અંતે યોગ્ય વળતર મળ્યું

ડો.રાજેશભાઈ મકવાણા કહે છે કે, મારા પિતાનું ટ્રેન અકસ્માતમાં મોત થયું ત્યારે હું ધો.6માં ભણતો હોય એટલી મારી ઉંમર ત્યારે 11 વર્ષની હતી. સામાકાંઠે જૂની પીપી ડબ્લ્યુ પોસ્ટ ઓફીસ સામે એકદમ ખુલ્લી ફાટક હોવાથી આ અકસ્માત થયો હોય એનું વળતર મેળવવા માટે એ સમયે વકીલ રાખીને સેન્ટ્રલ રેલવે ગવર્મેન્ટ સામે કેસ કર્યો હતો. આ ઘટના વખતના તમામ પુરાવાઓ મળ્યા હતા. જેમાં એલઇ કોલેજથી સોઓરડી તરફ જવા માટે ઢાળ હોય અને ટ્રેન નીકળે તો કોઈને પણ ખબર ન.પડે એ રીતે ફાટક ન હોવાથી માનવ રહિત ફાટકને કારણે આ અકસ્માત બન્યો હોય 11 વર્ષની લાંબી કાનૂની લડતના અંતે જીત થઈ હતી અને અમને યોગ્ય વળતર મળ્યું હતું

માતાના રાત્રીના અંધકારમાં ડુસકા સાંભળીને હચમચી ઉઠતો

રાજેશભાઈએ જણાવ્યું હતું કે, તેમના પિતાના અવસાન બાદ ઘરની સઘળી જવાબદારી માતા રમાબેન ઉપર આવી પડી હતી. પિતાની નોકરીમાં 10 દિવસ બાકી હોવાથી પેન્શન મેળવવા મારા માતાને ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા. આથી થોડા વર્ષો બાદ પેન્શન ચાલુ તો થયું પણ 50 ટકા મળતું એટલે માત્ર 300 કે 400 રૂપિયા જ પેન્શન મળતું હોવાથી આટલી નજીવી આવકમાં ઘરનું ગુજરાન ચલાવવું અને પુત્રોને ભણાવવા બહુ જ મુશ્કેલ હતા. તેથી એ કપરા કાળમાં મારા માતા સાત ધોરણ સુધી જ ભણેલા હોય અન્ય કોઈ કામનો અનુભવ ન હોવાથી સીવણ કામ ચાલુ કર્યું જો કે એમની ધગશથી સીવણ કામમાં એમને એટલી બધી ફાવટ આવી ગઈ હતી કે આખા વિસ્તારના લોકો સીવણના દરેક કામો મારા માતા પાસે જ કરાવતા, આથી તેઓ આર્થિક રીતે પગભર થયા હતા. જો કે બહારથી તેઓ એકદમ મક્કમ દેખાતા પણ અંદરથી પતિના અવસાનના આઘાતથી તૂટી ગયા હતા. એટલે રાત્રીના અંધકારમાં મેં એમને રડતા જોયા છે. એ ઉંમરે પણ એમના ડુસકાએ મને અંદરથી હચમચાવી દીધા હતા. જો કે એમણે કરેલો સંઘર્ષ કદાચ કોઈ માતા પણ નહિ કરી શકે. કારણ કે, દરરોજ રાત્રે 2 વાગ્યા સુધી સીવણ કામ કરવું અને સવારે વહેલા ઉઠીને અમને ભણવા મોકલવા માટે તૈયાર કરવા તેમજ આટલું ઓછું હોય તેમજ દર મહિને કેસની મુદત હોય આખો દિવસ કોર્ટમાં હાજર રહેવાનું, આ બધું જ કઠિન કાર્ય એક તપની જેમ 11 વર્ષ સુધી કર્યું હતું. આમ તો 1998 સુધી હું પ્રોફેસર બન્યો ત્યાં સુધી એમણે મહેનત કરેલી, મારા માતાએ કદાચ આ સંઘર્ષ ન કર્યો હોત તો કદાચ અમારી કલ્પના ન કરી શકાય એવી હાલત હોત.

સીવણ મશીન સાચવી રાખ્યું

માતાએ જે વર્ષો પહેલા સીવણ મશીન વસાવ્યું હતું એને આજે પણ ઘરમાં સાચવી રાખ્યું છે. કારણ કે, એના થકી તેઓએ આજીવિકા મેળવી અને ત્રણેય પુત્રો તેમજ દિયરનું ભવિષ્ય બનાવ્યું હતું. એ સીવણ મશીનને તેઓ માત્ર આજીવિકાના સાધન નહિ પણ પ્રાર્થનાની જેમ પૂજન કરે છે. એટલે જ તેમના માતા કહે છે કે, આ ઘરમાં જે સુખ સમૃદ્ધિ આવી એમા મારી મહેનતની સાથે સીવણ મશીન નિમિત્ત છે. એટલે એ માત્ર મશીન નહિ મારો આત્મા છે.
 

મધર ડે સ્પેશિયલ : પતિના અવસાન બાદ વાત્સલ્યમુર્તીએ જાત ઘસી નાખી ત્રણ પૂત્રો અને દિયરનું પણ ભવિષ્ય ઉજાળ્યું

પિતાની અધુરી આત્મકથાને પુત્રએ પૂર્ણ કરી

મોરબીની દોશી હાઈસ્કુલમાં શાળામાં ફરજ બજાવી ચુકેલા શિક્ષક સ્વ જે ટી મકવાણા તેમના જીવતા આત્મકથા લખતા હતા જોકે આકસ્મિક રીતે અવસાન થયા બાદ તેમની આત્મકથા અધુરી રહી હતી આ અધૂરું હોય તેમ 1979ના જળ હોનારતમાં આ આત્મકથનના ઘણા બધા પેજ પલળી ખરાબ થઇ ગયા હતા.જે ટી મકવાણાના પુત્ર અને ગુજરાત કેન્દ્રીય યુનીવર્સીટીના પ્રોફેસર રાજેશભાઈ મકવાણાએ આ બાકી રહેલા પેજ સાચવી રાખ્યા હતા અને તેને પુસ્તક રૂપે પ્રકાશિત કરવાની ઈચ્છા થઇ હતી જેથી તેમણે પોતાના પ્રોફેસર તરીકેનો અનુભવનો ઉપયોગ કરી પિતાની આત્મકથન પૂર્ણ કરી “અડધી રાત્રે અંધારું ” નામની પુસ્તક પ્રકાશિત કરી છે અને પિતાની 40મી પુણ્યતિથીએ વિમોચન કરી શ્રદ્ધાંજલિ આપી હતી.