વાંકાનેર:વાંકાનેર માર્કેટિંગ યાર્ડની આજે મળેલી સામાન્ય સભામાં ખેડૂતો અને યાર્ડના પાયાના શ્રમિકોના હિત માટે મહત્વની રજૂઆત કરવામાં આવી હતી. યાર્ડના યુવા ડિરેક્ટર અશ્વિનભાઈ મેઘાણી દ્વારા વાંકાનેર તાલુકાના ખેડૂતો તેમજ યાર્ડમાં રાત-દિવસ મહેનત કરતા કામદારો માટે 'અકસ્માત મૃત્યુ સહાય' આપવાની માંગણી ફરી એકવાર દોહરાવવામાં આવી હતી.
અશ્વિનભાઈ મેઘાણીએ સભામાં જણાવ્યું હતું કે, અગાઉની મીટિંગમાં પણ આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી તેની અમલવારી કરવામાં આવી નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વાંકાનેર યાર્ડમાં માલ વેચવા આવતા તમામ ખેડૂત ખાતેદારો તેમજ યાર્ડમાં કામ કરતા ઉતરાઈ મજૂરો, તોલાઈ મજૂરો અને માલ ભરાઈનું કામ કરતા શ્રમિકોને સુરક્ષા કવચ મળવું અનિવાર્ય છે.
જે રીતે રાજ્યના અન્ય પ્રગતિશીલ માર્કેટિંગ યાર્ડોમાં ખેડૂતો અને મજૂરોને અકસ્માત સમયે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, તેવી જ રીતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ પણ આ દિશામાં નક્કર પગલાં ભરે તેવી માંગણી કરવામાં આવી છે.
આ લોકઉપયોગી રજૂઆતને યાર્ડના અન્ય ડિરેક્ટર જલાભાઈ શેરસીયા તેમજ ડિરેક્ટર યુનુસભાઈ ખોરજીયા દ્વારા પણ મજબૂત ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે યાર્ડ પ્રશાસન આ ખેડૂત અને મજૂર હિતલક્ષી નિર્ણય ક્યારે લે છે.