Thursday - Jun 25, 2026

પાણી, સિંચાઇ સહિતની મોટાભાગની વાતે સુખી પણ એકમાત્ર શિક્ષણ બાબતે દુઃખી

પાણી, સિંચાઇ સહિતની મોટાભાગની વાતે સુખી પણ એકમાત્ર શિક્ષણ બાબતે દુઃખી

મોરબીના જસમતગઢ ગામના લોકો બીજી બધી બાબતે સુખી છે. પણ એકમાત્ર અને આજના મોર્ડન અને આધુનિક યુગમાં ખૂબ જ જરૂરી શિક્ષણની મોટી ખોટ છે. પાણી, સિંચાઇ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ પણ શિક્ષણની વ્યવસ્થાનો અભાવ છે. કારણ કે હજુ આ ગામ આઝાદી પહેલાના સમયમાં અત્યારે જીવતું હોય એમ આ ગામમાં ધો. 5 સુધીનું જ શિક્ષણ છે. એનાથી આગળ ભણવું હોય તો બાળકોને બીજા ગામે જવું પડે છે.

મોરબીના જસમતગઢ ગામના સરપંચ બળવંતભાઈ મકવાણાના કહેવા મુજબ આ ગામ 100 વર્ષ જૂનું અને આશરે 500 જેટલી વસ્તી અને આ વસ્તી ખેતી ઉપર જ નિર્ભર છે. ખેતી માટે સિંચાઇની સુવિધાઓ છે. એટલે ખેડૂતો સિઝનનો બધો જ પાક લઈ શકતા હોય ખેતી હરિભરી રળીયામણી છે. ગામ માટે સૌથી મોટી ખુશીની બાબત એ છે કે, પીવાના પાણીની કોઈ જાતની તકલીફ નથી. પીવાનું પાણી જોઈએ તેટલું રેગ્યુલર મળે છે. ગામના રોડ રસ્તા 100 ટકા, ભૂગર્ભ ગટર 100 ટકા રેડી છે.પણ કચરાના નિકાલ માટે સાધન સુવિધા ન હોવાથી પંચાયતને જ જાતે ગામને ચોખ્ખું રાખવા કચરાનો નિકાલ કરવો પડે છે. જસમતગઢથી પાવડીયારી, હરિપર-કેરાળા, જીવાપર ગામને જોડતા રસ્તા એકદમ ગાડા માર્ગ છે.આ રસ્તાને પાકા કરવાની માંગ છે.

ગામમાં રોગચાળો કદાચ વકરે તો ગામમાં અંધાધુધી થઈ જાય એમ છે

જસમતગઢ ગામમાં વસ્તી ઓછી હોવાને લીધે શિક્ષણ અને આરોગ્ય કેન્દ્રની કમી છે. એટલે ગામનું સ્વાસ્થ્ય જોખમાય એ કોઈ કાળે પરવડે એમ નથી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન હોવાથી સારવાર અને દવા મેળવવા માટે બીજા ગામે 2 કિમિ દૂર જવું પડે છે. એટલે કદાચ કોઈ રોગચાળો ફાટી નીકળે કે ન કરે નારાયણ અને કોઈ ઇમરજન્સી કેસ આવી જાય તો આ ગામ ઉપર મોટી આફતની નોબત આવી શકે એમ છે.