દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો ખેડૂતો સરળતાથી અપનાવી શકે તે માટે ખેતરોમાં પ્રત્યક્ષ નિદર્શન કરાયું
મોરબી : મોરબી જિલ્લામાં રાસાયણિક મુક્ત ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકારના પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા સંયુક્ત રીતે ખેડૂતલક્ષી જાગૃતિ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. ઓક્ટોબર માસ દરમિયાન જિલ્લાના વિવિધ ગામોમાં યોજાયેલા તાલીમ કાર્યક્રમો, પ્રેરણા પ્રવાસો અને કિસાન ગોષ્ઠિ સહિતની પ્રવૃત્તિઓના માધ્યમથી 900થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તકનીકી અને વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
મોરબી આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર કે. એમ. ડાભીના માર્ગદર્શન હેઠળ ઓક્ટોબર માસમાં જિલ્લાકક્ષાના 9 તાલીમ કાર્યક્રમો, જિલ્લામાં 6 પ્રેરણા પ્રવાસ, જિલ્લા બહાર એક પ્રેરણા પ્રવાસ અને એક વિશેષ કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓથી માહિતગાર કરવા અને તેનો પોતાની ખેતીમાં ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવાનો રહ્યો હતો. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો ખેડૂતો સરળતાથી અપનાવી શકે તે માટે ખેતરોમાં પ્રત્યક્ષ નિદર્શન પણ યોજવામાં આવ્યાં હતાં.
સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને મોડેલ ફાર્મની માહિતી અપાઈ
ખેતી ક્ષેત્રે મહિલાઓની ભાગીદારી વધારવાના હેતુથી 50 મહિલા ખેડૂતો માટે જિલ્લા બહારના પ્રેરણા પ્રવાસનું આયોજન કરાયું હતું. આ પ્રવાસ દરમિયાન મહિલાઓને વિવિધ સંશોધન કેન્દ્રો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં તેમને ખેતીની નવી પદ્ધતિઓ અને પ્રાકૃતિક કૃષિ સંબંધિત માહિતી મેળવવાની તક મળી હતી.
80થી વધુ મહિલાઓને ખેતી, પશુપાલન અને બાગાયતની તાલીમ
મહિલા દિવસ નિમિત્તે ટંકારા તાલુકાના મિતાણા ગામે વિશેષ કિસાન ગોષ્ઠિ યોજાઈ હતી. તેમાં 80થી વધુ મહિલા ખેડૂતોએ ભાગ લીધો હતો અને ખેતીવાડી, પશુપાલન તથા બાગાયત ક્ષેત્રે સઘન તાલીમ મેળવી હતી. આમ, મોરબી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા હાથ ધરાયેલી વિવિધ પ્રવૃત્તિઓમાં ખેડૂતોની સાથે મહિલા ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.