Tuesday - Oct 20, 2026

મોરબીના વાવડી રોડ પર આજે દશેરાએ રામ-રાવણ યુદ્ધ બાદ રાવણના પૂતળાનું દહન

મોરબીના વાવડી રોડ પર આજે દશેરાએ રામ-રાવણ યુદ્ધ બાદ રાવણના પૂતળાનું દહન

અવની ચોકડી પાસે શોભયાત્રા અને 50 ફૂટના રાવણનું દહન કરાશે

મોરબી : મોરબીમાં અસત્ય ઉપર સત્યના વિજય રૂપે આજે વિજયાદશમીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજય રૂપે રાવણના પૂતળાનું પરંપરા પ્રમાણે દહન કરીને લોકો સાટા, જલેબી ફાફડાની જ્યાફ્ત ઉડાવીને દશેરાની હર્ષોલ્લાસભેર ઉજવણી કરશે. જો કે રાજમાતાના નિધનને પગલે એક સ્થળે રાવણ દહન અને રામલીલાના આયોજનને રદ કરવામાં આવ્યું હતું. પરંતુ અન્ય બે સ્થળે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના વાવડી રોડ પર આવેલા રાધા પાર્ક યુવા ગરબી મંડળ દ્વારા આજે તા.20 ઓક્ટોબરે દશેરા નિમિત્તે રાત્રે 10 વાગ્યે રામ-રાવણ યુદ્ધ અને રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જો કે પહેલા નામી-અનામી કલાકારો દ્વારા રામ-રાવણ યુદ્ધની પ્રસ્તુતિ કરવામાં આવશે અને રાવણના વધ બાદ રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. આ ઉપરાંત વિજયાદશમી નિમિત્તે જય અંબે ગરબી મંડળ દ્વારા શહેરના સૌથી વિશાળ 50 ફૂટના રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 20-10-2026 ને મંગળવારના રોજ રાત્રે 10:00 કલાકે કેનાલ રોડ પર અવની ચોકડી પાસે, સન ફ્લોરાની સામે આવેલા જય અંબે નગર ખાતે આ ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત રાવણ દહન પૂર્વે એક ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા જય અંબે ગરબી ગ્રાઉન્ડથી શરૂ થઈને અવની ચોકડી, બાપા સીતારામ ચોક, રવાપર ચોક થઈને પરત અવની ચોકડી પહોંચી જય અંબે નગર સોસાયટીમાં આવેલા રાવણ દહન ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે.

રાજપૂત સમાજના શસ્ત્ર પૂજનનો રદ

મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલાના જણાવ્યા મુજબ રાજમાતા વિજયરાજબા કુંવરબાના નિધનને પગલે  આજે તા. 20 ના રોજ રાજપૂત સમાજ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર દશેરા રેલી તેમજ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ સંપૂર્ણપણે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ દિવસે કોઈ કાર્યક્રમ યોજાશે નહીં અને સમગ્ર સમાજ દ્વારા શોક પાળવામાં આવશે.