એડવોકેટની કાયદાકીય જોગવાઈની દલીલો ગ્રાહ્ય રાખી જમીન દિવેલીયાની હોવાનો દાવો ફગાવાયો
મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે ખેતીની જમીનના માલિકી હક અને વારસાઈ નોંધને લઈને ચાલતા વિવાદમાં જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની કોર્ટમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. કાચરોલા પરિવારને બારખલીદાર કાયદા હેઠળ મળેલા કાયમી કબજા હકના પ્રમાણપત્રના આધારે રેવન્યુ રેકર્ડમાં વારસદારોનાં નામની નોંધ પાડવા હુકમ કરવામાં આવ્યો છે. જમીન દિવેલીયાની હોવાનો દાવો કરી નોંધ સામે વાંધો ઉઠાવનાર પક્ષની દલીલો ફગાવી કલેક્ટરે મોરબીના નાયબ કલેક્ટરનો અગાઉનો હુકમ રદ કર્યો છે.
નાની વાવડી ગામના રેવન્યુ સર્વે નંબર 255 પૈકી 1 અને સર્વે નંબર 509ની ખેતીની જમીન વલમજીભાઈ જાદવજીભાઈ કાચરોલાના નામે નોંધાયેલી હતી. તેમની હયાતીમાં વારસદારોનાં નામ દાખલ કરવાની કાર્યવાહી અંતર્ગત હક્કપત્રકમાં નોંધ નંબર 6791થી તા. 27 મે, 2026ના રોજ નોંધ પાડવામાં આવી હતી. પરંતુ જલ્પેશગીરી મનહરગીરી ગૌસ્વામીએ આ નોંધ સામે વાંધો ઉઠાવતાં નોંધ જમીન તકરારી બની હતી. ત્યારબાદ મોરબીના નાયબ કલેક્ટરે તા. 31 જુલાઈ, 2026ના હુકમથી નોંધ નામંજૂર કરી હતી. આ હુકમ સામે અરજદાર પક્ષે જિલ્લા કલેક્ટર સમક્ષ રિવિઝન અપીલ દાખલ કરી હતી.
કલેક્ટર કોર્ટમાં બંને પક્ષોની દલીલો સાથે જૂના 7/12ના ઉતારા, બારખલી કેસોની વિગતો અને અન્ય દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી. ચુકાદામાં અરજદાર પરિવારના પૂર્વજોએ વર્ષ 1969થી જમીન ખેડતા આવ્યા હોવાનો તથા કાયમી કબજા હક ધરાવતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બારખલી કેસ નંબર 270 અને 383 હેઠળ અરજદારના પૂર્વજ ચતુર રવજીને આપવામાં આવેલા કાયમી કબજા હકના પ્રમાણપત્રના આધારે ગામ નમૂના નંબર 6માં નોંધ પ્રમાણિત કરવાની જરૂરિયાત સ્વીકારવામાં આવી હતી. આ સાથે નાયબ કલેક્ટરનો અગાઉનો હુકમ ગેરવ્યાજબી ઠેરવી તેને રદ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, વાંધેદાર જલ્પેશગીરી ગૌસ્વામીએ સર્વે નંબર 509ની જમીન તેમના પૂર્વજોની માલિકીની અને શિવમંદિરના દિવેલીયા માટેની હોવાનો દાવો કર્યો હતો. તેમના પક્ષે દલીલ કરવામાં આવી હતી કે પૂર્વજો મંદિરની સેવા-પૂજા અને ભિક્ષાવૃત્તિ કરતા હતા તથા ચતુર રવજીને ખેતમજૂર તરીકે કામે રાખવામાં આવ્યા હતા, જેના બદલામાં રોકડ અથવા અન્ય વસ્તુઓ આપવામાં આવતી હતી. તેથી ચતુર રવજીને ગણોતિયા ગણી શકાય નહીં અને જમીનના પ્રમોલગેશનમાં મંદિરના પૂજારી કાળુગર દેવગર સહિત ત્રણનાં નામ નોંધાયેલાં હોવાથી જમીન ખાનગી નામે દાખલ કરી શકાય નહીં. આથી એડવોકેટ ધર્મેન્દ્રભાઈ એન. બારેજીયાએ બારખલીદાર કાયદાની જોગવાઈઓ અને કેસના દસ્તાવેજી પુરાવાઓના આધારે આ દલીલોનો વિરોધ કર્યો હતો. કલેક્ટર કોર્ટે તેમની દલીલો ગ્રાહ્ય રાખી જમીન દિવેલીયાની હોવાનો દાવો ફગાવી દેતાં કાચરોલા પરિવારને રાહત મળી છે.