ટીબી મુક્ત સમાજ માટે જાગૃતિ કેળવવાનો મુખ્ય હેતુ : વ્યસન-ડ્રગ મુક્તિ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા
મોરબી : સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે તા. 9 સપ્ટેમ્બરના રોજ NSS અંતર્ગત વ્યસન-ડ્રગ મુક્તિ તથા ટીબી મુક્ત ભારત અભિયાનને લઈને જાગૃતિ સત્ર યોજાયું હતું. જેમાં 70થી વધુ NSS વિદ્યાર્થીઓ જોડાયા હતા.
ટીબી મુક્ત સમાજના નિર્માણ માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવવી અને રોગના લક્ષણો, કારણો, બચાવ તેમજ સારવાર અંગે સમજ આપવી કાર્યક્રમનો મુખ્ય હેતુ રહ્યો હતો. આ ઉપરાંત વ્યસન અને ડ્રગ્સથી થતા નુકસાન અંગે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે અને જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સત્રમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવ તથા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ધનસુખ અજાણાના દિશા-નિર્દેશનમાં જિલ્લા ક્ષય વિભાગના DPC પિયુષભાઈ જોષીએ ટીબી અંગે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી રહેતી ઉધરસ, તાવ, રાત્રે પરસેવો આવવો, વજન ઘટવું અને ભૂખમાં ઘટાડો જેવા લક્ષણો જોવા મળે તો ટીબીની તપાસ કરાવવી જરૂરી છે. સમયસર નિદાન અને તબીબી સલાહ મુજબ સંપૂર્ણ સારવારથી રોગને નિયંત્રિત કરી તેના ફેલાવાને અટકાવી શકાય છે. NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. અતુલભાઈ ઘુવના આયોજન હેઠળ યોજાયેલા સત્રનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું. અંતે વિદ્યાર્થીઓએ ટીબી મુક્ત સમાજ માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો.