ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકોનું પરિણામ આજે જાહેર થશે; 96.21% મતદાન બાદ બંને પેનલના ભાવિ પર સૌની નજર
મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણીમાં ગઈકાલે નોંધાયેલા 96.21 ટકા જેટલા ઊંચા મતદાન બાદ આજે સવારથી મતગણતરી શરૂ થતાં જ સહકારી ક્ષેત્રમાં ઉત્તેજના વધી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતપેટીઓ ખોલી મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. કુલ 14 બેઠકોના પરિણામ પર બંને પક્ષોની નજર મંડાયેલી છે અને બપોર સુધીમાં હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થવાની શક્યતા છે.
મોરબી, માળિયા અને ટંકારા પંથકની સહકારી મંડળીઓના મતદારોએ ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 1507 પૈકી 1448 મતદારોએ મતદાન કર્યું હતું, એટલે કે 96.08 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો માટેના તમામ 51 મતદારોએ મતદાન કરતાં 100 ટકા મતદાન થયું હતું.
બે પેનલ વચ્ચે સીધો મુકાબલો
યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલ અને કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર છે. બંને પેનલે ચૂંટણીમાં પોતાનું સંગઠન અને રાજકીય વજન કામે લગાવ્યું હતું. હવે મતગણતરી શરૂ થતાં કોના સમર્થનમાં મતદારોએ કૌલ આપ્યો છે તેના પર સૌની નજર છે. આ ચૂંટણીમાં ભાજપ તરફથી મોહનભાઈ કુંડારિયા, મગનભાઈ વડાવિયા, જયંતીભાઈ રાજકોટિયા અને કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનોની પ્રતિષ્ઠા પણ જોડાયેલી છે. બીજી તરફ કોંગ્રેસ પ્રેરિત પેનલ તરફથી લલિત કગથરા, નયન અઘારા અને મનોજ પનારા સહિતના આગેવાનોએ પરિવર્તનના મુદ્દે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું.
હવે ગણતરીની કલાકોમાં જ ફેંસલો
96 ટકાથી વધુ મતદાનને પગલે બંને પક્ષો પોતાની જીતના દાવા કરી રહ્યા છે. જોકે, હવે મતપેટીઓ ખુલતાં વાસ્તવિક જનાદેશ સામે આવવાની શરૂઆત થઈ છે. ખેડૂત અને વેપારી વિભાગની કુલ 14 બેઠકોમાંથી કેટલી બેઠકો કઈ પેનલના ફાળે જાય છે તે આજે બપોર સુધીમાં નક્કી થઈ જશે. યાર્ડમાં ફરી સહકાર પેનલનો દબદબો રહેશે કે પછી મતદારોએ પરિવર્તનના પક્ષમાં કૌલ આપ્યો છે, તેનો ફેંસલો હવે ગણતરીના કલાકોમાં થશે.