Thursday - Sep 10, 2026

મોરબીમાં નકલી દારૂ કાંડ બાદ હવે મોંઘી શરાબની બોટલોમાં સસ્તો દારૂ વેચવાનું કૌભાંડ ઝડપાયું

મોરબીમાં નકલી દારૂ કાંડ બાદ હવે મોંઘી શરાબની બોટલોમાં સસ્તો દારૂ વેચવાનું કૌભાંડ ઝડપાયું

મોંઘા શરાબ ગ્રીન લેબલની 180 એમએલની બોટલમાંથી દારૂ મોંઘી બ્રાન્ડની ખાલી કાચની બોટલોમાં ભરાતો હોવાનું બહાર આવ્યું

મોરબી : મોરબી જિલ્લામાં પણ કહેવાતી દારૂબંધી વચ્ચે માળીયાના મોટા દહીંસરા ગામે બે મકાનમાંથી નકલી દારૂ કાંડ ઝડપાયા બાદ હવે મોરબીમાં પણ મોંઘી શરાબની બોટલોમાં સસ્તો દારૂ પ્યાસીઓને ધાબડી દેવાનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં મોરબી બી-ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમ સામેના મકાનમાં દરોડો પાડ્યો ત્યારે મોંધી શરાબ ગ્રીન લેબલ વિસ્કીની 180 એમએલની પ્લાસ્ટિક બોટલોમાં રહેલો દારૂ જૂની વપરાયેલી ‘100 પાઇપર્સ બ્લેન્ડર સ્કોચ વિસ્કી ફોર ડિફેન્સ સર્વિસ ઓન્લી’ લખેલી 750 એમએલની ખાલી કાચની બોટલોમાં ભરવાની તૈયારી કરવામાં આવી રહી હતી. આ દરોડા દરમિયાન દારૂ ભરેલી 8 મોટી બોટલ અને 36 ખાલી નાની બોટલ મળી આવતા પોલીસે કુલ મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે દરોડા સમયે મકાનમાં આરોપી હાજર ન હોવાથી તે ઝડપાયા બાદ જ આ સસ્તા દારૂ કાંડના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થશે તેવી પોલીસે શકયતા દર્શાવી છે.

મોરબી બી-ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વીસીપરા વિસ્તારમાં કેશવાનંદ બાપુના આશ્રમ સામે રહેતા સાજીદભાઈ કાદરભાઈ લધાણીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસ સામે ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, 180 એમએલની ગ્રીન લેબલ વિસ્કીની પ્લાસ્ટિક બોટલોમાં રહેલો દારૂ મોંઘી બ્રાન્ડની જૂની ખાલી કાચની બોટલોમાં ભરવામાં આવતો હતો. આ રીતે નીચી ગુણવત્તાવાળા દારૂને ઊંચી કિંમતની બ્રાન્ડની બોટલમાં ભરી આર્થિક ફાયદા માટે વેચાણ કરવાની તૈયારી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે સ્થળ પરથી દારૂ ભરેલી 750 એમએલની 8 બોટલ, જેની કિંમત રૂ.4,560 તેમજ 36 ખાલી નાની બોટલ કબજે કરી છે. આ ઉપરાંત મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં સસ્તો દારૂ ભરવાની મોડસ ઓપરેન્ડી પણ તપાસ હેઠળ આવી છે. આ દરોડા સમયે આરોપી સાજીદભાઈ લધાણી હાજર ન હોવાથી મોરબી બી-ડિવિઝન પોલીસે તેમની સામે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસે હવે આ દારૂ ક્યાંથી આવતો હતો, ખાલી બોટલો ક્યાંથી મેળવવામાં આવતી હતી અને તૈયાર કરવામાં આવતો દારૂ કોને તથા ક્યાં વેચવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

લઠ્ઠાકાંડ પછી પોલીસની કાર્યવાહી  કેમ તેજ બની ?

મોરબી જિલ્લામાં હમણાંથી એક પછી એક દારૂના મોટા કાળા કારોબારો રાઝ ખુલી રહ્યા છે. જેમાં તાજેતરમાં  માળિયાના મોટા દહીંસરા ગામે મકાનમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ હવે મોરબી શહેરના વીસીપરામાં મોંઘી બ્રાન્ડની ખાલી શરાબની બોટલોમાં સસ્તો દારૂ ભરવાના કથિત રેકેટનો પર્દાફાશ થયો છે. બંને બનાવો દારૂબંધીના કડક અમલ સામે અનેક સવાલો ઊભા કરે છે. ખાસ કરીને સવાલ એ છે કે, નકલી દારૂની ફેક્ટરી હોય કે મોંઘી બ્રાન્ડની બોટલમાં સસ્તો દારૂ ભરવાનો ખેલ—આ પ્રકારની પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલતી હોવાની શક્યતા વચ્ચે પોલીસની નજર અત્યાર સુધી કેમ ન પડી? ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ દારૂના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસ વધુ સક્રિય બની હોય તેવું હાલની સતત કાર્યવાહીઓથી ચિત્ર ઉપસી રહ્યું છે.