યુએફબીએયુનો આંદોલનાત્મક કાર્યક્રમ જાહેર : જૂના હડતાળના પ્રશ્નો પણ હજુ પડતર, ઝડપી ઉકેલની માંગ,બેન્ક હડતાલમાં 12 નેશનલ બેન્કની સાથે એસબીઆઈ બેન્ક પણ જોડાશે અને અંદાજે 500થી મોરબી જિલ્લાના બેન્ક ક્રમમચારીયો પણ જોડાશે.
મોરબી : બેંક કર્મચારીઓ અને અધિકારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં હવે બેંક કર્મચારીઓના સંગઠન દ્વારા આંદોલનનું રણશિંગુ ફૂંકવામાં આવ્યું છે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે તબક્કાવાર હડતાળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
બેંક કર્મચારીઓના જણાવ્યા મુજબ અગાઉની બેઠકો અને ચર્ચાઓ દરમિયાન કેટલાક પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે તેમને આગામી ચર્ચા માટે પડતર રાખવામાં આવ્યા છે. ઉપરાંત માર્ચ 2025 અને જાન્યુઆરી 2025ની હડતાળની નોટિસમાં ઉઠાવવામાં આવેલા કેટલાક પ્રશ્નોનો પણ હજુ સુધી ઉકેલ આવ્યો નથી, જ્યારે કેટલાક મુદ્દાઓ સમાધાનની પ્રક્રિયામાં હોવાનું જણાવાયું છે. આ તમામ પ્રશ્નોનો ઝડપી અને યોગ્ય ઉકેલ લાવવા માટે યુનિયનો દ્વારા માંગ કરવામાં આવી છે. જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે.બેન્ક હડતાલમાં 12 નેશનલ બેન્કની સાથે એસબીઆઈ બેન્ક પણ જોડાશે અને અંદાજે 500થી મોરબી જિલ્લાના બેન્ક ક્રમમચારીયો પણ જોડાશે.
તબક્કાવાર હડતાળનો કાર્યક્રમ
યુએફબીએયુ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 સપ્ટેમ્બરે અખિલ ભારતીય હડતાળ, ત્યારબાદ 25, 28 અને 30 સપ્ટેમ્બરે ત્રણ દિવસની હડતાળ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત 2 ઓક્ટોબરથી અનિશ્ચિત મુદતની હડતાળનો પણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હોવાનું પત્રમાં જણાવાયું છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા પણ આ કાર્યક્રમમાં સક્રિયપણે જોડાઈ પાંચ દિવસની બેંકિંગ વ્યવસ્થા ખોરવાય તેવી હડતાળને સફળ બનાવવા તથા પડતર પ્રશ્નોના ઉકેલ માટે એકતાપૂર્વક સંઘર્ષ કરવાની હાકલ કરવામાં આવી છે. પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો બેંકિંગ કામગીરી પર સીધી અસર થવાની શક્યતા હોવાથી આગામી દિવસોમાં બેંક કર્મચારીઓના આંદોલન પર સૌની નજર રહેશે.