Sunday - Aug 02, 2026

મહાકાય મચ્છુ ડેમ-2માંથી 30 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડતા મોરબીનો બેઠો પુલ બંધ કરાયો

મહાકાય મચ્છુ ડેમ-2માંથી 30 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડતા મોરબીનો બેઠો પુલ બંધ કરાયો

પોલીસે બંને પુલના છેડે બેરીકેટેડ મૂકી પુલ બંધ કરીને અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો

મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમ તાજેતરમાં પ્રથમ રાઉન્ડમાં ઓવરફ્લો થયા બાદ ગતરાત્રીથી જ આજે દિવસભર ભારેથી અતિભારે વરસાદ પડતાં મચ્છુ ડેમ 2માંથી સતત અવિરતપણે મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યું હોવાથી ડેમમાં પાણીના ધસમસતા પ્રવાહને કંટ્રોલ કરવાની સ્થિતિ ભારે થઈ પડી હતી. બપોરે આ ડેમમાંથી  એકીસાથે 30 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડતા મોરબી મધ્યે વહેતી મચ્છુ નદી ગાંડીતુર બનીને વહેવા લાગી હતી. આ મચ્છુ નદી ઉપર શહેરના એક અને બે એટલે સાંમાંકાંઠા વિસ્તારમાં અવરજવર માટે બંધાયેલા બેથપુલની જોખમી સપાટીથી પાણી વહેવા લાગતા અગમચેતીના ભાગરૂપે પોલીસે તાત્કાલીક અસરથી બેઠાપુલની બંને તરફ બેરેકેટેડ ગોઠવી પુલ બંધ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુલના બંન્ને છેડે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.

જ્યાંરે બપોરે 2 વાગ્યા પછી સતત પાણીની મોટી આવકને પગલે મહાકાય મચ્છુ 2 ડેમના 10 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. આથી મચ્છુ નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાતા આ બેઠાપુલને સજ્જડ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો. પુલ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોની અવરજવર અટકાવીને પોલીસ બંદોબસ્ત તૈનાત કરીને ડીવાયએસપી આલે લોકોને ખૂબ જ અગત્યના કામ હોય તો જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી હતી. મચ્છુ નદીમાં પુર જેવી સ્થિતિ હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક મદદ કરી શકાય તે માટે પોલીસ, 108 સહિત મેડિકલની ટિમ તેમજ ફાયરની ટીમને પણ ખડેપગે રાખી દેવામાં આવી હતી.