Sunday - Aug 02, 2026

માળીયાના મીઠા ઉદ્યોગને ભારે વરસાદનું જોખમ, રણ વિસ્તારમાં ન જવા અગરિયાઓને સૂચના

માળીયાના મીઠા ઉદ્યોગને ભારે વરસાદનું જોખમ, રણ વિસ્તારમાં ન જવા અગરિયાઓને સૂચના

અતિભારે વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે મીઠા ઉત્પાદક એકમો માટે સાવચેતી, જિલ્લા તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી અમલ કરવા અપીલ

મોરબી :  આજે તેમજ હજુ પણ આગામી  દિવસોમાં અતિભારે વરસાદ અને ભારે પવનની આગાહીને પગલે માળીયાના મીઠા ઉદ્યોગને સાવચેતીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને રણ વિસ્તારમાં આવેલા મીઠાના એકમોમાં અગરિયાઓ, શ્રમિકો, સુપરવાઇઝરો તેમજ ટ્રક-હિટાચી ઓપરેટરો સહિતના લોકોને હાલ ન જવા અને ત્યાં રોકાણ ન કરવા જણાવાયું છે.

આ અંગે મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ દિલુભા જાડેજા દ્વારા માળીયા વિસ્તારના તમામ નાના, મધ્યમ અને મોટા મીઠા ઉત્પાદક એકમોને ખાસ સૂચના આપવામાં આવી છે. અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રણ વિસ્તારમાં આવેલા મીઠાના એકમોમાં કામ કરતા તમામ કર્મચારીઓ અને શ્રમિકોની સલામતીને પ્રાથમિકતા આપવા જણાવાયું છે.

આગાહીમાં બનાસકાંઠા, સાંથલપુર, વિરમગામ સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. જેના પગલે બનાસ નદી તથા મચ્છુ નદીનું પાણી માળીયા-હળવદ સહિતના નીચાણવાળા વિસ્તારો તરફ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માળીયા, હળવદ, ગુલાબડી, જાજાસર, દેવગઢ, બગસરા, ભાવપર, વવાણીયા, વર્ષામેડી, બોડકી, નવલખી સહિતના વિસ્તારોમાં ખાસ તકેદારી રાખવા જણાવાયું છે.

મીઠાના એકમો અને રણ વિસ્તારમાં જવું નહીં

ભારે વરસાદ અને પવનની સ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અગરિયાઓ, શ્રમિકો, સુપરવાઇઝરો, ટ્રક-હિટાચી ઓપરેટરો તથા અન્ય લોકોને મીઠાના એકમો કે રણ વિસ્તારમાં ન જવા અને ત્યાં રોકાણ ન કરવા ખાસ સૂચના આપવામાં આવી છે.

મીઠા ઉત્પાદકોએ પોતાના ગામ તથા આસપાસના વિસ્તારોમાં પણ આ અંગે લોકોને જાણ કરી સલામતી માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી નવી સૂચના ન મળે ત્યાં સુધી આ સૂચનાનો અમલ કરવા જણાવાયું છે. આ અંગે મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ દિલુભા જાડેજા દ્વારા તમામ મીઠા ઉત્પાદકોને અતિભારે વરસાદ અને ભારે પવનની આગાહીને ધ્યાને લઈ સલામતીને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી છે.