રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા પ્રતિવર્ષ યોજાતી ઈન્ટર કોલેજ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ તાજેતરમાં વિરાણી સાયન્સ કોલેજ, રાજકોટ ખાતે યોજાઈ ગઈ. આ સ્પર્ધામાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર અને પોરબંદર જેવા વિવિધ જિલ્લાઓની કોલેજોમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (કોલેજ દીઠ ૪-૪) ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ કડક સ્પર્ધામાં મોરબીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમત દાખવીને સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે:
પ્રથમ ક્રમ: મિહિર કૈલાશગીરી ગોસાઈ (જી. જે. શેઠ કોમર્સ કોલેજ, મોરબી)
દ્વિતીય ક્રમ: વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદી (GMERS મેડિકલ કોલેજ, મોરબી)
બંને વિજેતા ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ ઝળહળતી સફળતા બાદ હવે બંને ખેલાડીઓ આગાઉ યોજાનાર ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને યુવાનો અગાઉ પણ 'મોરબી મહાનગરપાલિકા ઓપન મોરબી ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ' તેમજ 'ખેલ મહાકુંભ' જેવી વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનીને પોતાની પ્રતિભા સાબિત કરી ચૂક્યા છે. તેમની આ સિદ્ધિ બદલ ટેબલ ટેનિસ ફ્રેન્ડ્સ ગ્રુપના સભ્યો તેમજ સમગ્ર મોરબીના રમતપ્રેમીઓ તરફથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.