મોરબી:મોરબીમાં નેશનલ હાઈવે નજીક આવેલા કોમ્પ્લેક્સના વેપારીઓએ સર્વિસ રોડ અને ગટરના અધૂરા કામને કારણે સર્જાયેલી હાલાકી અંગે મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.
રાતોરાત ખોદકામ કરતા કનેક્ટિવિટી ખોરવાઈ:
વેપારીઓએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તારીખ ૧૦-૦૬-૨૦૨૬ની રાત્રે નેશનલ હાઈવે ઓથોરિટીના માણસો દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વિના ગટરની લાઈન માટે અચાનક ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ આડેધડ ખોદકામને કારણે હાઈવે પરથી કોમ્પ્લેક્સ તરફ આવતો સર્વિસ રોડ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
૫૦થી વધુ દુકાનો અને ગોડાઉનના ધંધા રોજગાર ઠપ:
પૂજા ચેમ્બર શક્તિ ચેમ્બર્સની સામે (નેશનલ હાઈવે, મોરબી-૨) ખાતે આવેલા આ વ્યવસાયિક હબમાં અંદાજે ૫૦થી વધુ નાની-મોટી દુકાનો આવેલી છે.
જેમાં લુહાર કામ, ફેબ્રિકેશનના વર્કશોપ, મેડિકલ સ્ટોર્સ,ગેરેજ અને ઓટોમોબાઈલ સર્વિસ સ્ટેશન, ઇલેક્ટ્રિકલ સાધનોની દુકાનો આ તમામ દુકાનો તેમજ તેની પાછળ આવેલા ગોડાઉનો અને ગેરેજનો રસ્તો બંધ થઈ જતાં વાહનોની અવરજવર (આવન-જાવન) સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. વેપારીઓનો ધંધો રોજગાર અટકી પડતાં તેઓ ભારે આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છે.
વેપારીઓની માંગ:
રસ્તો તાકીદે કાર્યરત કરવામાં આવે
સ્થાનિક ધંધાર્થીઓએ ભારે આક્રોશ સાથે કલેક્ટર તંત્રને વિનંતી કરી છે કે આ બાબતની ગંભીરતા સમજીને તેમની અરજીનો તાકીદે સ્વીકાર કરવામાં આવે. ગટરની કામગીરીની સાથે સાથે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે સર્વિસ રોડ યોગ્ય રીતે બનાવી આપવામાં આવે જેથી વેપારીઓ અને ગ્રાહકોની અવરજવર ફરી શરૂ થઈ શકે.વેપારી મંડળ દ્વારા આ અંગે વહેલી તકે યોગ્ય નિકાલ લાવવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.