પાકિસ્તાન મુર્દાબાદની નારેબાજી સાથે આતંકવાદીના પૂતળાનું દહન કરાયું
આતંકી ઘટનાના વિરોધમાં મોરબી આજે ભારે આક્રોશ સાથે સજ્જડ બંધ રહ્યું છે. આ સાથે મૌન રેલી યોજવામાં આવી હતી. જે પૂર્ણ થતાં આતંકવાદીના પૂતળાને સળગાવવામાં આવ્યું હતું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.
પહેલગામમાં આતંકી હુમલામાં નિર્દોષ લોકોન જીવ ગયા છે. મોરબીમાં આ આતંકી ઘટનાને વખોડી ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિશ્વ હિન્દૂ પરિષદ - બજરંગ દળ અને વિવિધ વેપારી એસોસિએશનો દ્વારા આજે બપોરે 2 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને આ મોરબી બંધમાં તમામ વેપારી એસોસિએશને સમર્થન આપ્યું હતું. આથી મોરબી સજ્જડ બંધ રહ્યું હતું. માત્ર હોસ્પિટલો, દવાની દુકાનો અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલી રહી હતી. બપોર સુધી મોરબી બંધ રહ્યા બાદ બપોરે 2 વગયેથી તમામ દુકાનો ખુલ્લી હતી. પણ આજે સમગ્ર મોરબીએ સ્વંયભુ શોકમય બંધ પાળ્યો હતો. આ સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવા બસ સ્ટેન્ડ ખાતેથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં મૌન રેલી શરૂ થઈ હતી. આ રેલી નગરદરવાજાએ પૂર્ણ થઈ છે. જ્યાં બે મિનિટનું મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ આતંકવાદીના પૂતળાને સળગાવાયુ હતું. સાથે પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદ મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા.