મોરબી : મોરબી જિલ્લાના માધ્યમિક શિક્ષક દ્વારા તાલાલા, ગીર સોમનાથ ખાતે રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઈનોવેશન ફેરમાં "રમતા રમતા વિજ્ઞાન શીખો" ઇનોવેશન રજૂ કર્યું હતું.
મોડેલ સ્કૂલ મોટીબરાર(પૂર્વ શાળા) અને હાલ ધી.વી.સી. ટેકનિકલ હાઈસ્કુલના મદદનીશ શિક્ષક શ્રી હર્ષદ ગીરધરભાઈ બોડા દ્વારા રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં રમતા રમતા વિજ્ઞાન શીખો રજૂ કરવામાં આવ્યું. જેમાં શિક્ષક દ્વારા તમામ મોડલને ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ગણિત એમ ચાર ભાગમાં વિભાજીત કરીને ગોઠવવામાં આવ્યા. અહી તમામ મોડલના વૈજ્ઞાનિક સિદ્ધાંત કાર્ય પ્રણાલી વગેરે ટાઇપ કરીને તમામ મોડલ સાથે રાખવામાં આવ્યા. આ તમામ મોડલની બનાવટ ઘરની નકામી વેસ્ટ વસ્તુ માંથી વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવી. હવે બાળકો જાતે જ પ્રવૃત્તિ અને પ્રયોગો કરીને વિજ્ઞાન વિષયનું શિક્ષણ મેળવે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી. વિદ્યાર્થીઓને ધોરણ અને વિષય મુજબ તાસ પ્રમાણે પ્રવૃત્તિ અને પ્રયોગો કરાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને ગ્રુપમાં વિભાજીત કરીને પ્રયોગ કે પ્રવૃત્તિને લગતી તમામ સાધન સામગ્રી આપવામાં આવે છે. શિક્ષકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ જે તે પ્રવૃત્તિ કે પ્રયોગ કરે છે અને શિક્ષણ મેળવે છે. અહી વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયના કઠિન બિંદુઓ સરળતાથી સમજી શક્યા. વિદ્યાર્થી પોતે અનુભવ જન્ય શિક્ષણ મેળવી શકે છે. વિજ્ઞાન વિષયની એકમ કસોટી તથા બોર્ડની પરિક્ષામાં વિદ્યાર્થિઓનું ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત થયું પ્રિ- ટેસ્ટ અને પ્રો-ટેસ્ટમાં ખૂબ જ અસરકારક પરિણામ પ્રાપ્ત થયું.
હોશિયાર વિદ્યાર્થીઓ તથા વિશેષ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને આગળ શીખવા માટે પ્રેરણા મળે છે. વૈજ્ઞાનિક સ્વભાવ વિકસે છે તથા પુરાવા આધારિત વિચારસરણીનો વિકાસ થાય છે.
શોધ આધારિત તથા પ્રાયોગિક શિક્ષણ પ્રાપ્ત થાય છે. સર્વગ્રાહી વિકાસ થાય છે. ધોરણ ૯ અને ૧૦ નાં વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયવસ્તુની સરળતાથી સમજ મળતા “LEARNING OUTCOMES” ની સમૃધ્ધિ જોવા મળી છે.પોતાની આસપાસ મળી આવતી વસ્તુઓમાથી મોડેલ નિર્માણ કરે છે.જિજ્ઞાસાવૃત્તિ, અવલોકનશક્તિ,નિર્ણયશક્તિ, વૈજ્ઞાનિક દ્રર્ષ્ટિકોણ, સમસ્યા નિવારણ, વિવેચનાત્મક ચિંતન, સર્જનાત્મકતા જેવા જીવનકૌશલ્યોનો વિકાસ થાય છે.
આ લેબ દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષયમાં વિદ્યાર્થીઓ જાતે જ મોડલ નિર્માણ અને પ્રવૃતિઓ કરતા હોવાથી ગણિત અને વિજ્ઞાન વિષયની તમામ અધ્યયન નિષ્પત્તિ સિધ્ધ કરી શક્યા તથા FLN ધરાવતા વિદ્યાર્થીઓની ભાગીદારી જોવા મળી અને વિશેષ પ્રતિભા ધરાવનાર વિદ્યાર્થીઓ ભવિષ્યના સંશોધનો અને ઇનોવેશન તરફ પ્રેરાય છે. એટલે આપણે કહી શકીએ કે, આ બદલાતા સમયમાં વિશ્વ ફલક પર આ જ વિદ્યાર્થીઓ પોતાનું વિશેષ યોગદાન આપી શકાશે.
શિક્ષક હર્ષદભાઈ બોડા દ્વારા પ્રવૃત્તિ અને પ્રયોગોના કેટલાક વિડિયો પોતાની યુ ટ્યુબ ચેનલ - Harshad Boda પર અપલોડ કરવામાં આવ્યા છે.
રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેરમાં GCERT સચિવ એસ. જે. ડુમરાળિયા દ્વારા પ્રમાણપત્ર અને શીલ્ડ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.