Wednesday - Jun 10, 2026

વસ્તી ગણતરી કરતાં શિક્ષકોને 'ઓન ડ્યુટી' આપવા મોરબી શૈક્ષિક મહાસંઘની માંગણી

વસ્તી ગણતરી કરતાં શિક્ષકોને 'ઓન ડ્યુટી' આપવા મોરબી શૈક્ષિક મહાસંઘની માંગણી

આગ ઝરતી ગરમીમાં શાળાની ફરજ સાથે ઘરે-ઘરે જઈ ઓનલાઇન એન્ટ્રી કરવાનું કામ કઠિન હોવાથી વિવિધ કક્ષાએ પત્રો પાઠવવામાં આવ્યા

મોરબી : હાલમાં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ભારત સરકારના જનગણના અધિનિયમ-1948 ની જોગવાઈ મુજબ 1/6/2026 થી ગણતરીદારો અને સુપરવાઇઝર તરીકે ફિલ્ડમાં જઈને રાષ્ટ્રીય વસ્તી ગણતરી (Census-2027) ની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જનગણના અધિનિયમ-1948 ની કલમ-15 A મુજબ વસ્તી ગણતરીની કામગીરી કરતા કોઈપણ કર્મચારીએ વસ્તી ગણતરીની ફરજ પર વિતાવેલા સમયગાળાને તેમની મૂળ કચેરીના ફરજ ઉપર ગણવા બાબતે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે.

હાલ મોરબી જિલ્લામાં પડી રહેલી અસહ્ય ગરમીમાં શિક્ષકો શેરીએ-શેરીએ ફરીને જનગણના ઘરને નંબર આપીને નઝરી નકશો બનાવવાનું તેમજ ઘરે-ઘરે જઈ વસ્તી ગણતરીની 34 કોલમની ઓનલાઈન એન્ટ્રી કરવાનું ખૂબ જ કઠિન કામ કરી રહ્યા છે. શાળામાં શિક્ષક તરીકેની નિયમિત ફરજ બજાવવાની સાથે સમય મર્યાદામાં આ વધારાની કામગીરી પૂર્ણ કરવી મુશ્કેલ બની રહી છે.

જેના કારણે વસ્તી ગણતરીની કામગીરી સાથે જોડાયેલા શિક્ષકો સમય મર્યાદામાં પોતાનું કામ પૂરું કરી શકે તે માટે કાયદાકીય જોગવાઈઓ અન્વયે ઓન ડ્યુટી આપવા માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ - મોરબી જિલ્લા દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવી છે. આ સંદર્ભે મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબીના કલેક્ટર, મોરબી મહાનગરપાલિકાના વસ્તી ગણતરી અધિકારી અને ડેપ્યુટી કમિશનર તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ - ગુજરાત પ્રાંતને પત્રો પાઠવીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.