થોડા દિવસો અગાઉ જે રીતે પતિ અને પુત્રની હાજરીમા પરણિતા પર દુષ્કર્મ થયું હતું એ રીતે જ એ જ દિવસે આ બીજી ઘટનાને કોઈ ગેંગે અંજામ આપ્યો
મોરબી : મોરબીના વાડી વિસ્તારમાં પરિણીતા ઉપર ગેંગરેપની ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. જો કે થોડા દિવસો પહેલા જે રીતે પતિ અને બાળકની હાજરીમાં ચાર શખ્સોએ પતિને દૂર લઈ જઈ એક શખ્સે તેની.પત્ની ઉપર અધમ કૃત્ય આચર્યું હતું. બરાબર એ જ દિવસે આજ મોડ્સ ઓપરેન્ડી મુજબ ત્રણ શખ્સોએ વારાફરતી બળજબરીથી પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજાયું હોવાની ઘટનાની ફરિયાદ નોંધાતા આવા કુલ બે બનાવો બનતા કોઈ ચોક્કસ ગેંગ સક્રિય થઈને આવા બનાવોને અંજામ આપી રહી હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
મોરબી પંથકમાં વધુ એક સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. વાડી વિસ્તારમાં એક પરપ્રાંતીય પરિણીતા સામૂહિક દુષ્કર્મનો ભોગ બની છે. ભોગ બનનાર મહિલા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ જઘન્ય અપરાધમાં કુલ 5 શખ્સોની ગેંગ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ 5 શખ્સોની ગેંગમાંથી 2 શખ્સોએ પતિને દૂર લઈ જઈ પકડી રાખ્યો હતો. બાકીના 3 શખ્સોએ પરિણીતા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
જો કે, આ બનાવ એ જ રાત્રે બન્યો હતો જે રાત્રે મોરબીમાં અગાઉનો અન્ય એક દુષ્કર્મનો બનાવ નોંધાયો હતો. તેમાં પણ અજાણ્યા 5 શખ્સોએ વાડીમાં ધસી આવી પતિને પકડી રાખી તેની પત્ની ઉપર બાળક સામે જ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બન્ને ગુનાને એક જ ગેંગે અંજામ આપ્યો હોવાનું અનુમાન છે. બીજી તરફ ગુનાની ગંભીરતા ધ્યાને લઇ તાલુકા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ગેંગના અમુક સભ્યો પોલીસના હાથવેંતમાં જ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.