Saturday - Jun 27, 2026

મોરબીના વોર્ડ નં. 3ના લાલબાગ આસપાસના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારપટ

મોરબીના વોર્ડ નં. 3ના લાલબાગ આસપાસના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારપટ

વોર્ડ નંબર 3માં મહત્વની અનેક સરકારી કચેરીઓ અને મોટાં રહેણાંક વિસ્તારોમાં આવેલા હોવાથી રાત્રે લોકોની સલામતી માટે સ્ટ્રીટ લાઈટ નાખવાની મનપાને રજુઆત

મોરબી : મોરબી શહેરના વોર્ડ નં. 3 માં આવેલા સેવા સદન, કોર્ટ પરિસર, લાલ બાગ સરકારી વસાહત, જાહેર ગાર્ડન તેમજ પાર્કિંગ વિસ્તારમાં તાત્કાલિક સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. 3 કોંગ્રેસ સમિતિના પ્રવીણ મનસુખભાઈ વઘાસિયા અને મોરબી શહેર યુવા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચિંતન મહેશભાઈ રાજ્યગુરુ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર તેમજ મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરી આ સમસ્યા અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર, આ એક અત્યંત મહત્વનો સરકારી વિસ્તાર છે. જ્યાં વિવિધ સરકારી કચેરીઓ, સેવા સદન તેમજ કોર્ટ પરિસર આવેલ હોવાથી દરરોજ મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વકીલો, અરજદારો અને સામાન્ય નાગરિકોની અવરજવર રહે છે. રાત્રિના સમયે પણ લોકો આ માર્ગોનો ઉપયોગ કરે છે.

લાલ બાગ સરકારી વસાહતની બાજુમાં આવેલ જાહેર ગાર્ડનમાં દરરોજ સવારે અને સાંજે સ્થાનિક રહેવાસીઓ, મહિલાઓ, વડીલો અને બાળકો વોકિંગ તેમજ સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓ માટે આવે છે. પરંતુ પૂરતી સ્ટ્રીટ લાઈટ ન હોવાને કારણે રાત્રિના સમયે અહીં અસુરક્ષાની લાગણી અનુભવાય છે.

લાલ બાગના પાછળના ભાગમાં આવેલા પાર્કિંગ વિસ્તારમાં પણ લાઈટોનો અભાવ છે. મહિલાઓ, બહેનો અને દીકરીઓ પણ આ વિસ્તારમાંથી પસાર થતી હોવાથી અંધારાના કારણે કોઈ અનિચ્છનીય ઘટના કે હેરાનગતિ થવાની ભીતિ રહે છે. આથી નાગરિકોની સુરક્ષા અને જનહિતને ધ્યાનમાં રાખીને આ સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક ધોરણે પૂરતી સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા સંબંધિત વિભાગને જરૂરી સૂચના આપવા માંગ કરી છે.