Tuesday - Sep 29, 2026

મોરબીના શિક્ષકનું વર્ગખંડમાં જ તબિયત બગડતા અવસાન.

મોરબીના શિક્ષકનું વર્ગખંડમાં જ તબિયત બગડતા અવસાન.

વિદ્યાર્થીઓ અને શાળા પરિવાર શૉક મગ્ન

​મોરબી: મોરબીની નિર્મલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય ભાવેશભાઈ પટેલનું અચાનક અવસાન થતાં સમગ્ર શૈક્ષણિક જગતમાં શોક છવાઈ ગયો છે. ભાવેશભાઈ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા તે સમયે જ આ દુર્ઘટના બની હતી.

​પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવેશભાઈ પટેલ નિકુંજ પાર્ક સોસાયટીના બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેઓ ઘણા વર્ષોથી નિર્મલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

  તેઓ વર્ગખંડમાં બાળકોને ભણાવી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને પરસેવો વળવા લાગ્યો અને ત્યારબાદ તેઓ બેભાન થઈ ગયા.
​આ ઘટનાથી શાળામાં હાજર સ્ટાફ અને વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હતા.

તાત્કાલિક સારવાર માટે તેમને મોરબીની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચ્યા બાદ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
​આ ઘટનાની જાણ હોસ્પિટલ દ્વારા મોરબી એ-ડિવિઝન પોલીસને કરવામાં આવી હતી.

પોલીસે આ બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. ભાવેશભાઈના અચાનક અવસાનથી તેમના પરિવાર, વિદ્યાર્થીઓ અને સમગ્ર શાળા પરિવારમાં ઊંડા શોકની લાગણી ફેલાઈ ગઈ છે.