Tuesday - Jul 21, 2026

મોરબીની રવાપર ચોકડીએ અત્યંત જોખમી રસ્તા મુદ્દે સ્થાનિકોનો રોડ પર ઉતર્યા, ચક્કાજામ

મોરબીની રવાપર ચોકડીએ અત્યંત જોખમી રસ્તા મુદ્દે સ્થાનિકોનો રોડ પર ઉતર્યા, ચક્કાજામ

મેયર-કમિશનર જ્યાં સુધી સ્થળ નહિ આવે ત્યાં સુધી ચક્કાજામ નહિ  હટાવવાનો સ્થાનિકોનો નીર્ધાર

વર્ષોથી ધૂળ-કીચડથી ત્રસ્ત લોકો સતત લોલીપોપથી વિફર્યા, ટૂંક સમયમાં કામગીરી શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી


મોરબી : મોરબીના રવાપર વિસ્તારમાં વર્ષોથી યથાવત રહેલા ખરાબ રસ્તાના પ્રશ્ને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વૈભવનગર, નીતિનનગર, ચિત્રકૂટ સહિત રવાપર મેઈન રોડ વિસ્તારના રહિશોએ રવાપર ચોકડી ખાતે ચક્કાજામ કરી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે મેયર અને મ્યુનિસિપલ કમિશનર સ્થળ પર આવી રસ્તાના કામ અંગે લેખિત અથવા જાહેર ખાતરી આપશે ત્યાં સુધી ચક્કાજામ સમેટવામાં નહીં આવે.

સ્થાનિકોનું કહેવું છે કે રસ્તાની સમસ્યાને લઈને છેલ્લા ઘણા સમયથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. અનેક આવેદનપત્રો અને અરજીઓ આપવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સતત અવગણના થતાં અંતે મહિલાઓ, યુવાનો અને સ્થાનિકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામનો માર્ગ અપનાવ્યો હતો. દરમિયાન સામાજિક કાર્યકર નિલેશ એરવાડિયા પણ સ્થળ પર પહોંચ્યા હતા.

વિરોધ દરમિયાન મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી રોડની હાલત અત્યંત બિસ્માર છે. વરસાદી દિવસોમાં કાદવ અને પાણી ભરાવાના કારણે અવરજવર મુશ્કેલ બની જાય છે. બાળકો, વૃદ્ધો અને દ્વિચક્રી વાહનચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બને છે. રોજિંદા કામકાજ માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે, છતાં તંત્ર સમસ્યાના ઉકેલ માટે ગંભીરતા દાખવતું નથી.

આંદોલનકારીઓએ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સ્થળ પર આવી રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવાની ખાતરી નહીં આપે ત્યાં સુધી ચક્કાજામ યથાવત રાખવામાં આવશે. ઉપરાંત, જો ટૂંક સમયમાં કામગીરી શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર જનઆંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

મોરબીની રવાપર ચોકડીએ અત્યંત જોખમી રસ્તા મુદ્દે સ્થાનિકોનો રોડ પર ઉતર્યા, ચક્કાજામ