Monday - Apr 20, 2026

મોરબીનું ગૌરવ: U-17 ગર્લ્સ ક્રિકેટ ટીમમાં ધ્રુવી લોરિયાની રાષ્ટ્રીય સ્તરે પસંદગી.

મોરબીનું ગૌરવ: U-17 ગર્લ્સ ક્રિકેટ ટીમમાં ધ્રુવી લોરિયાની રાષ્ટ્રીય સ્તરે પસંદગી.

મોરબી: રમતગમત ક્ષેત્રે મોરબીનું નામ રોશન કરતી એક વધુ સિદ્ધિ દીકરીએ હાંસલ કરી છે. મોરબીની ઉભરતી ક્રિકેટર ધ્રુવી લોરિયાની ૬૯મી નેશનલ સ્કૂલ ગેમ્સ અંતર્ગત U-17 ગર્લ્સ ક્રિકેટ ટીમમાં રાષ્ટ્રકક્ષાએ પસંદગી કરવામાં આવી છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ સમગ્ર પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

​હરિયાણાના રોહતક ખાતે બતાવશે કૌવત

​ધ્રુવી લોરિયા આગામી તારીખ ૨૯/૦૪/૨૦૨૬ થી ૦૩/૦૫/૨૦૨૬ દરમિયાન હરિયાણાના રોહતક ખાતે યોજાનારી નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે રવાના થશે. રાષ્ટ્રીય ફલક પર પોતાની પ્રતિભા સાબિત કરવા માટે ધ્રુવી સજ્જ છે.

​પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું.

​મૂળ માળિયા તાલુકાના વેજલપર ગામના વતની અને હાલ મોરબીના એસ.પી. રોડ પર આવેલી ધ વન અપ સોસાયટીમાં રહેતા ભરતભાઈ લોરિયાની પુત્રી ધ્રુવી હાલ તપોવન વિદ્યાલયમાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે. અભ્યાસની સાથે રમતગમતમાં રુચિ ધરાવતી ધ્રુવીએ પોતાની મહેનતથી આજે આ સ્થાન મેળવ્યું છે.

મોરબીનું ગૌરવ: U-17 ગર્લ્સ ક્રિકેટ ટીમમાં ધ્રુવી લોરિયાની રાષ્ટ્રીય સ્તરે પસંદગી.

​કઠોર પરિશ્રમ અને યોગ્ય માર્ગદર્શન
​ધ્રુવી લોરિયા મોરબીની 'રીયલ ક્રિકેટ એકેડેમી' માં ક્રિકેટનું કોચિંગ લઈ રહી છે. એકેડેમીના કોચના માર્ગદર્શન હેઠળ મેળવેલી તાલીમ અને દિવસ-રાતની મહેનતને પરિણામે તેની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ થઈ છે.

​"મોરબીની દીકરી રાષ્ટ્રીય સ્તરે ક્રિકેટના મેદાનમાં ઝળકે તે આખા જિલ્લા માટે ગૌરવની વાત છે. ધ્રુવી આગામી ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી મોરબી અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે."

​આ સફળતા બદલ તપોવન વિદ્યાલય પરિવાર, રીયલ ક્રિકેટ એકેડેમીના સભ્યો તેમજ સ્નેહીજનો દ્વારા ધ્રુવી લોરિયા પર અભિનંદન વર્ષા થઈ રહી છે.