મોરબીના મકનસર ગામેં ટ્રેકટર ઉપરથી ફેંકી નીચે કચડી નાખી યુવાનની હત્યા, ત્રણ સામે ગુન્હો નોંધાયો
પ્રથમ દ્રષ્ટિએ વાહન અકસ્માતની લાગતી ઘટનામાં મૃતકના પરિવારના આક્ષેપ બાદ હત્યાનો ગુન્હો દાખલ
મોરબીના મકનસર ગામે ટ્રેકટર ઉપરથી ટ્રેકટર ચાલક સહિત ત્રણ શખ્સોએ એક યુવાનને ટ્રેકટર ઉપરથી નીચે પટકીને ટ્રેકટરની નીચે કચડીને હત્યા કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે આ બનાવમાં પ્રથમ ટ્રેકટર હડફેટે મોત થયાનું તારણ આવ્યા બાદ મૃતકના પરિવારજનોએ આક્ષેપ સાથે હોબાળો મચાવતા હત્યાની ફરિયાદ નોંધાઇ છે.
મોરબીના મકનસર ગામે પ્રકાશ ગંગારામ મકવાણા નામના યુવક ટ્રેકટર હેઠળ કચડાઈ જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ યુવાનના મોતથી પરિવારજનો, સમાજના લોકો અને ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા અને આ બનાવ અકસ્માતનો નહીં પણ હત્યાનો હોવાનું જણાવી ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. આથી પરિવારજનો મૃતદેહને લઈને પોલીસ મથકે જવા રવાના થતા પોલીસે ત્રાજપર ચોકડી રોકી સમજાવ્યા હતા અને આ બનાવ અંગે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાત્રી આપતા મામલો થાળે પડ્યો હતો. દરમિયાન મોરબી તાલુકા પોલીસે આ બનાવની હત્યાની ફરિયાદ દાખલ કરી હતી. જેમાં ફરિયાદી મૃતકના પિતા ગંગારામ ચકુંભાઈ મકવાણાએ આરોપી ટ્રેકટર ચાલક ગોરધનભાઈ મારવણીયા, અને બે અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી ગોરધનભાઇન ટ્રેકટર ઉપર તેમનો દીકરો પ્રકાશ બેઠો હતો. ત્યારે બે અજાણ્યા માણસોએ પ્રકાશને ટ્રેકટર નીચે ફેંકી દીધો હતો અને એની માથે ગોરધનભાઇએ ટ્રેકટર ફેરવી દીધું હતું. આથી ગંભીર ઇજા થવાથી લોહી લુહાણ હાલતમાં તેને 108 મારફત મોરબીની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પણ ફરજ પરના તબીબે પ્રકાશભાઈને મૃત જાહેર કર્યો હતો. આ ત્રણેય આરોપીઓએ તેમના દીકરાની હત્યા કરી હતી. જો કે મૃતક પરિણીત હતા અને તેમને ત્રણ માસનો બાળક છે.આ બનાવથી એક પિતાએ છત્રછાયા ગુમાવતા ભારે અરેરાટી મચી ગઇ છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.