રાજ્ય સરકારના મંત્રી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે
મોરબી : મોરબીની જાણીતી એલ.ઈ. કોલેજના 2026 જાન્યુઆરીમાં 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય મોરબીમાં પ્લેટિનમ જ્યુબિલી ઉજવણીનું આયોજન કરાયું છે. જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, ગોલ્ડ મેડલ ફંક્શન, મ્યુઝિકલ પાર્ટી, ગુરુવંદના, સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો યોજાશે. રાજ્ય સરકારના મંત્રી અને ભૂતપૂર્વ વિદ્યાર્થી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો હાજરી આપશે
મોરબીની એલઈ કોલેજના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે તા. 9, 10 અને 11 જાન્યુઆરી એમ ત્રણ દિવસ પ્લેટિનમ જ્યુબિલી ભવ્ય રીતે ઉજવાશે. જેમાં 9 ના રોજ કોલેજના અત્યાર સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી પોતાનું કલનું કૌશલ્ય રજૂ કરશે, 10 જાન્યુઆરીએ ગ્રાન્ડ સેરેમની, 15મું ગોલ્ડ મેડલ ફંક્શનમાં 8 ગોલ્ડ મેડલ એનાયત કરાશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કોલેજના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગુજરાત સરકારના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ભૂતપૂર્વ વિદ્યાર્થી જાણીતા સિવિલ એન્જિનિયર પ્રહલાદભાઈ પટેલ, હર્ષ શાહ, લેન્કો એલ્યુમની એસોસિએશનના સ્થાપક હરીશભાઈ રંગવાલા, રાજુભાઈ શાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 10 જાન્યુઆરીએ બપોર બાદ જુના મોરબીની યાદો તાજી કરવા માટે ગેસ્ટ હાઉસ રોડ પરથી, નહેરુ ગેઈટ થઈ, ગ્રીન ચોક થઈ દરબારગઢ સુધી પ્રોસેસન યોજાશે. રાત્રે મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું છે. 11 જાન્યુઆરીના રોજ ગુરુવંદના કાર્યક્રમ અને સન્માન કાર્યક્રમ યોજાશે. આ સન્માન કાર્યક્રમમાં આચાર્યો, દાતાઓ સહિતના જે લોકોએ મહત્વનું યોગદાન આપ્યું છે તેઓને સન્માનિત કરાશે. આ કાર્યક્રમમાં જોડાવવા માટે 2 હજાર જેટલા પરિવારોની નોંધણી થઈ ચુકી છે. આખું વર્ષ આ પ્રકારના કાર્યક્રમો ચાલશે. આ ત્રણ દિવસ યોજાનાર આ ભવ્ય પ્લેતિનેમ ઉજવણીને લઈને હાલ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.