ડેમના દરવાજા બદલવાની કામગીરી બાદ હવે ટેસ્ટિંગ પણ પૂરું થતા ડેમ ભરવાનું શરૂ
મોરબી :મોરબીની જીવાદોરી મચ્છુ-2 ડેમમાં અઢી માસથી ચાલતી દરવાજા બદલવાની કામગીરી હવે પૂર્ણ થઈ છે.આથી નવા દરવાજાનું ટેસ્ટીગ પણ પૂરું થઈ જતા હવે ડેમ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો કે ત્રણ દિવસ પહેલા પડેલા વરસાદ બાદ હવે નવા નીરની આવક સાવ નહિવત જેવી છે. પણ હજુ ચોમાસું બાકી હોવાથી આગામી વરસાદમાં મચ્છુ ડેમ ભરાય જવાનો ડેમ અધિકારીએ આશાવાદ વ્યક્ત કર્યો છે.
મોરબીના મચ્છુ - 2 ડેમના કુલ 38 ગેઇટ બદલવાની જરૂરિયાત ઉભી થતા ગત વર્ષે આ ડેમના 5 ગેઇટ બદલ્યા બાદ બાકી રહેલા 33 ગેઇટ બદલવાની કામગીરી ગત એપ્રિલ માસમાં શરૂ કરવામાં આવી હતી. જો કે આ કામગીરીમાં ઢીલ થતી હોવાથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક વિસ્તારો તરસ્યા રહી જતા હોવાની ફરિયાદો સામે આવી હતી. દરમિયાન હમણાં જ ઉપરવાસમાં સારો વરસાદ પડ્યો હોવાથી આ ડેમમાં નવા નીર આવ્યા હત. પણ દરવાજા બદલવાની કામગીરી ચાલુ હોવાથી પાણીનો વધુ સંગ્રહ થઈ શકે એમ ન હોય જેટલી પાણી આવક થાય એટલી જ જાવક કરી દેવામાં આવી હતી.આથી એક સપ્તાહ ચાલે તેટલું પાણી વહાવી દેવાયું હતું. જો વહેલું કામ પૂરું થયું હોત તો આટલા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થયો ન હોત. ત્યારે ડેમના દરવાજા બદલવાની કામગીરી અંગે ડેમના સેક્શન ઓફિસર ભાવિનભાઈ પનારાએ જણાવ્યું હતું કે, દરવાજા બદલવાની કામગીરીની 30 જૂન સુધી મુદત હોય એ પહેલાં આ કામ સંપૂર્ણપણે પૂરું કરી દેવાયું છે. નવા દરવાજાનું ટેસ્ટિંગ પણ અમદાવાદ અને જૂનાગઢની નિષ્ણાત ટીમ દ્વારા પૂરું કરી દેવામાં આવ્યું છે. હવે ડેમ ભરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.જો કે ડેમમાં ઉપરથી પાણી આવક ખૂબ જ ઘટી છે. અગાઉ ડેમમાં તળિયું દેખાય ગયું હતું. ત્યારે દરવાજા બદલવાની કામગીરી દરમિયાન સારા વરસાદથી નવા નીર આવતા આજની તારીખે 50.33નું લેવલ અને 410, 22 એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે.
18 હજારથી વધુ ક્યુસેક પાણી છોડી દેવાયા છતાં ત્રણ મહિનાના પાણીનો સંગ્રહ
ડેમના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ચોમાસાની સીઝનમાં અગાઉ વરસાદ થયો ન હતો અને દરવાજા બદલવાની કામગીરી ચાલુ હોવાથી વરસાદથી આવેલું 11 હજારથી વધુ ક્યુસેક પાણી છોડી દેવાયું હતું. આમ છતાં પણ ડેમમાં ડેડ સ્ટોક વચ્ચે વરસાદથી ત્રણ મહિના ચાલે એટલા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે. આથી નર્મદાનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.
પહેલા વરસાદમાં જ 227 એમસીએફટી પાણી આવ્યું
ડેમમાંથી વરસાદનું આવેલું મોટાભાગનું પાણી છોડી દેવામાં આવ્યું હતું. આમ છતાં પણ આ ડેમમાં પહેલા વરસાદમાં જ 227 એમસીએફટી પાણી આવ્યું છે. હજુ ચોમાસું આખું બાકી છે. એટલે ડેમ ભરાય જવાની શક્યતા છે.તેમ છતાં કદાચ પાણીની અછત સર્જાઈ તો પણ આપણી પાસે નર્મદાનું છેલ્લું બ્રહ્માસ્ત્ર છે જે. એટલે મોરબીવાસીઓને પાણીમાં કોઈ વાંધો નહિ આવે તેવો તેમણે દાવો કર્યો છે.
પહેલા નીચા દરવાજાનું ટેસ્ટિંગ કરાયું
ડેમના સેક્શન ઓફીસરે જણાવ્યું હતું કે, ડેમના તમામ 38 દરવાજા ખુલ્લા હતા. આથી શરૂઆતમાં ટેક્નિકલ પ્રોબ્લેમ ન થાય એ માટે બે અલગ અલગ નીચા દરવાજાનું પહેલા ટેસ્ટીગ કરાયુ હતું. ટેસ્ટીગ થયા બાદ આ દરવાજા બંધ કરી દેવાયા હતા. બાદમાં ઉંચા દરવાજાનું પણ ટેસ્ટિંગ કરીને ચડાવ્યા હતા. એટલે ગઈકાલે બપોરેથી આ ટેસ્ટીગ પૂરું થતા ડેમ ભરવાનું શરૂ કર્યું હતું. ગઈકાલે બહુ ઓછા પાણીની આવક હતી.પણ ગતરાત્રેથી પાણીની આવક બંધ થઈ હતી. આથો હવે વરસાદ થશે તો સીધું જ પાણી ડેમમાં આવી જશે.