Saturday - May 02, 2026

મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન પાડાપુલની હાલત અત્યંત જોખમી

મોરબીની ઐતિહાસિક વિરાસત સમાન પાડાપુલની હાલત અત્યંત જોખમી

પુલ હોનારતમાં તૂટી જવાથી નવો બનાવ્યા બાદ ભૂકંપમાં ભારે ખંડિત થતા પુલનું રીનોવેશન જાહેરનામાના વાંકે અટક્યું

મોરબી : મોરબીના રાજવીકાળના સમયગાળા દરમિયાનના ઐતિહાસિક અને જાજરમાન નઝરાણું ધરાવતો તેમજ મોરબી શહેર અને સામાકાંઠાને જોડતો મચ્છુ નદી પરનો પાડાપુલ હવે જોખમી બની ગયો હોય તેવી કપરી પરિસ્થિતિ સામે આવી છે. આ પુલના ઇતિહાસ પર નજર કરીએ તો રાજવી પરિવારે વર્ષ 1897માં મચ્છુ નદી ઉપર ડબલપટ્ટી તેમજ અલગ ફૂટપાથ સાથે પાડાપુલ બનાવવામાં આવ્યો હતો. પરંતુ દુર્ભાગ્યવશ 1979ની ભયાનક મચ્છુ પુર દુર્ઘટનામાં આ મજબૂત રહેલો પાડાપૂલ તૂટી ગયો હતો. બાદમાં મૂળ સ્ટ્રક્ચરને જાળવી રાખી ફરીથી એકદમ મજુબતીથી અદલોઅદલ નવો પાડાપુલ બનાવવામાં આવ્યો હતો. પણ કમનસીબે 2001ના વિનાશક ભુકપે આ પુલને ફરી કારમી થપાટ આપી હતી. એટલે આ પુલ હચમચી ગયો હતો. પુલની જોડે રહેલી સળંગ ફૂટપાથ તૂટી ગઈ હતી. એટલે પુલ સાંકડો થઈ ગયો હોય એની સામે વાહનોની અવરજવર ઉત્તરોતર વધતા ટ્રાફિકને ધ્યાને લઈને આશરે 2005ની આસપાસ આ પુલની બાજુમાં બીજો નવો મયુર બ્રિજ બનાવવામાં આવ્યો હતો. પણ હવે ભૂકંપમાં ભારે નુકસાન થયું હોવાથી આ પાડાપુલે જવાબ દઈ દીધો છે. હજારો વાહનોની અવરજવર ધરાવતા આ પુલની હાલત હવે જોખમી થઈ ગઈ છે. જેમાં પાડાપુલ ઉપર ઠેરઠેર ખાડા મોટી તિરાડો પડી ગઈ છે.આ ખાડા અને તિરાડોને કારણે વારંવાર વાહન ચાલકો પડી જાય છે. ખાસ કરીને સ્કૂટર લઈને નીકળતી વર્કિંગ વુમન્સને ઘણીવાર અકસ્માત નડે છે અને નાની મોટી ઇજા થાય છે. એટલું જ નહીં જીવલેણ અકસ્માતની ઘટના પણ બને છે. એટલે ઇમરજન્સી વાહનને દર્દીને લઈને જતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. મોરબી એક અને બેને જોડતો આ પુલ હોવાથી મોટાભાગના લોકોને દિવસમાં ત્રણથી ચાર વખત અહીંથી ફરજિયાત પસાર થવું પડે છે. એટલે આ હજારો લોકોની સલામતીની ગંભીર બાબત હોવાથી તેનું રીનોવેશન કરવું ખૂબ જ જરૂરી છે. જો કે તંત્ર ભલે દાવો કરતું હોય કે, આ પુલ મજબૂત હોવાથી કોઈ અમંગળ ઘટનાની શકયતા નહિવત છે. પણ પુર વખતે આ પુલ મજબૂત હોવા છતાં તૂટી ગયો હતો. એટલે પુલના રીનોવેશનમાં ઢીલ જરાય પરવડે એમ નથી. હજારોની જિંદગીનો સવાલ હોવાથી પહેલા પુલ બધનું જાહેરનામું બહાર પાડી પછી આ જોખમી પુલનું તાકીદે રીનોવેશન કરવા તેમ સામાજિક કાર્યકરો રાજુ દવે, દેવેશ રાણેવડીયા, જગદીશ બાભણીયા, ગિરીશ કોટેચાએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી છે.

જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ તત્કાળ કામ શરૂ થશે

પાડાપુલ ક્ષતિગ્રસ્ત હોવાથી ઘણા સમયથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુલનું રીનોવેશન કામ કરવામાં આવતું હતું. જેમાં પુલના નીચેના ભાગમાં રીનોવેશનનું કામ થયું હોય હવે પુલની ઉપર રીનોવેશનનું કામ કરવાનું છે. પણ વાહન વ્યહાર ચાલુ હોવાથી આ કામ શક્ય નથી. એટલે જિલ્લા કલેક્ટર પુલને બંધ કરવાનું જાહેરનામું બહાર પાડે પછી પુલ બંધ કરીને આ કામ કરી શકાય એમ છે. આ કામમાં એક મહિના કરતા વધુ સમય લાગે એમ હોય આટલો સમય પુલ બંધ કરી બાજુના મયુરપુલમાં વાહન વ્યહાર ડાયવર્ટ કરવો થોડો મુશ્કેલ છે. કારણ કે એક જ પુલમાં બન્ને તરફની હજારો વાહનોની અવરજવરથી ટ્રાફિક વ્યવસ્થાને મોટી અસર પહોંચે એમ છે. આમ પણ અહીંયા ઓવરબ્રિજનું કામ ચાલુ હોય એટલે અહીં ઘણા સમયથી ટ્રેનની અવરજવરના સમયે ટ્રાફિકજામ થતો હોય હવે પુલ બંધ કરાઈ તો ટ્રાફિકની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે એમ હોય આનો યોગ્ય ઉકેલ લાવવાના હાલ પ્રયાસો ચાલુ છે.

હિતેશ આદ્રોજા, માર્ગ અને મકાન વિભાગના અધિકારી

આખલાઓ પણ ખંડિત

જેની પાડાપુલ તરીકે વર્ષોથી ઓળખ થાય છે એ આ પુલ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે તેના ઉપર બે આખલાના સ્ટેચ્યુ મુકવામાં આવ્યા હતા. પણ આ આખલાઓને લોકો પાડા સમજી બેઠા એટલે જ આ પુલ પાડાપુલ તરીકે ઓળખાય છે. પણ હકીકતમાં એ પાડા નથી. આખલા છે અને આખલા પણ ખંડિત થઈ ગયા છે. જેનો અમુક હિસ્સો ભેદી રીતે ગાયબ જોવા મળે છે. કોઈએ જાણી જોઈને આ રીતે નુકસાન કર્યું હોવાનું લાગી રહ્યું છે. પણ તંત્રએ આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી.