મુખ્યમંત્રીની હાજરીમાં મોરબી જિલ્લાના રૂ.187 કરોડના 49 રોડ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
મોરબી : મહાનગર પાલિકા બન્યા બાદ આજે પ્રથમ વખત મોરબી આવેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રૂ.187.46 કરોડના 49 કામોના લોકાર્પણ અનેટ ખાતમુહૂર્ત કર્યા છે. તેઓએ જણાવ્યું કે મોરબી એટલે સિરામિક અને સિરામિક એટલે મોરબી. અહીં વિદેશથી પણ લોકો આવે છે. જેથી સ્વચ્છતા ઉપર વધુ ધ્યાન દેવું પડશે.
મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં આજે મુખ્યમંત્રીએ સભા સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા મળ્યા બાદ મોરબીમાં તેઓનો પ્રથમ કાર્યક્રમ છે. મહાપાલિકા મળવા બદલ તમામ મોરબીવાસીઓને અભિનંદન. વિકાસકામો ગુણવત્તાવાળા થાય તેવા પૂરતા પ્રયાસ કરવામાં આવશે. જે કામ અમારા ધ્યાને મુકાઈ છે તે તમામ કામો મંજુર થઈ જ જાય છે. ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સુચવેલ રૂ.30 કરોડના કામ ગઈકાલે મંજુર કરવામાં આવ્યા છે. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સૂચવેલ જીઆઇડીસીનું રૂ.90 કરોડનું કામ પણ આજે મંજુર થયું છે. તેઓએ ઉમેર્યું કે કામ ક્વોલિટી વાળા થવા જોઈએ કે ધારાસભ્યોને 5 વર્ષ બાદ એમ થવું જોઈએ કે હવે કયુ કામ મંજુર કરાવવા જવું.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે તેઓ દ્વારા ડેશબોર્ડમાં દરેક જિલ્લાની કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે. જેમાં મોરબી જિલ્લો પ્રથમક્રમે છે. મોરબી સૌરાષ્ટ્રનું ઔદ્યોગિક કેન્દ્ર છે. મહાપાલિકા મળ્યા બાદ હવે તેને વધુ વેગ મળશે. હાલ રૂ.1461 કરોડના ખર્ચે સિરામિક પાર્કનું કામ ચાલી રહ્યું છે. મોરબીને મેડિકલ કોલેજ મળી છે. નવલખી બંદરે નવી જેટી મંજુર કરવામાં આવી છે. એલઇ કોલેજ અને રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અંતમાં મુખ્યમંત્રીએ જણાવ્યુ કે મોરબીમાં વિદેશથી પણ લોકો આવતા હોય છે. એટલે સ્વચ્છતા માત્ર નેતાઓ આવે ત્યારે જ થાય તેવું ન ચલાવી લેવાય. રોજ સ્વચ્છતા થવી જોઈએ. તેમાં બધાએ સહકાર આપવો પડશે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા મહાનગરપાલિકા તથા રિંગ રોડને લઈને કોઈ મોટી જાહેરાત થાય તેવી આશા સેવાઈ હતી. પરંતુ મુખ્યમંત્રી દ્વારા સ્ટેજ ઉપરથી કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી.