વાલીઓને બેંકના ધક્કા ન ખાવા પડે તે હેતુથી સ્થળ પર જ 100 જેટલા વિદ્યાર્થીનીઓના ખાતા ખોલાયા
મોરબી : સરકાર દ્વારા વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની રકમ સીધી બેંક ખાતામાં જમા થતી હોવાથી દરેક વિદ્યાર્થીનું બેંક એકાઉન્ટ હોવું જરૂરી બન્યું છે. પરંતુ અનેક વાલીઓને ખાતું ખોલાવવા માટે બેંકોના ધક્કા ખાવા પડતા હોય આ મુશ્કેલી દૂર કરવા મોરબીની એક સરકારી કન્યા શાળામાં જ બેંક એકાઉન્ટ ખોલવા માટે વિશેષ કેમ્પ યોજવાની પહેલ કરી હતી. વાલીઓને બેંકના ધક્કા ન ખાવા પડે તે હેતુથી સ્થળ પર જ 100 જેટલા વિદ્યાર્થીનીઓના ખાતા ખોલાયા હતા.
મોરબીની પીએમ માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારની ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર (DBT) યોજના હેઠળ બાલવાટિકાથી ધોરણ-5 સુધીની વિદ્યાર્થીનીઓને દર વર્ષે રૂ.1,650 અને ધોરણ-6થી 8 સુધીની વિદ્યાર્થીનીઓને રૂ.1,950ની શિષ્યવૃત્તિ સીધી બેંક ખાતામાં જમા થાય છે. આ માટે તમામ વિદ્યાર્થીનીઓના બેંક ખાતા ફરજિયાત હોવાથી શાળા દ્વારા જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.
આ માટે ગુજરાત ગ્રામીણ બેંકના અધિકારીઓ સાથે સંકલન કરીને શાળા પરિસરમાં જ કેમ્પ યોજાયો હતો. બેંકના કર્મચારીઓએ સ્થળ પર જ વિદ્યાર્થીઓના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરી અંદાજે 100 જેટલા બેંક ખાતા ખોલી આપ્યા હતા. પરિણામે વાલીઓને અલગથી બેંકમાં જવાની અને રોજિંદા કામકાજ છોડીને ખોટા ધક્કામાંથી મુક્તિ મળી છે.