Wednesday - Jul 15, 2026

મોરબીમાં ત્રિપલ મર્ડર કેસમાં પેરોલ જમ્પ કરનાર કેદી ઝડપાયો

મોરબીમાં ત્રિપલ મર્ડર કેસમાં પેરોલ જમ્પ કરનાર કેદી ઝડપાયો

14 દિવસની ફર્લો રજા મેળવી 10 મહિનાથી ફરાર કેદીને અંતે ઝડપી લેવાયો

મોરબી:  મોરબીમાં વર્ષ 2018 ના ત્રિપલ મર્ડરના ગંભીર ગુનામાં આજીવન કેદની સજા પામેલો કેદી 14 દિવસની ફર્લો રજા મેળવી પરત જેલમાં હાજર થવાને બદલે પેરોલ જમ્પ કરી 10 મહિનાથી પોલીસને ચકમો આપી ફરાર કેદીને અંતે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં અષાઢી બીજ નિમિતે કાલે યોજાનાર મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસમાજિકો સામે કાર્યવાહી માટે પોલીસે સઘન કોમ્બિંગ કર્યું હતું. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને તેના જ રહેણાંક મકાનેથી પકડી પાડવામાં આવ્યો છે અને તેને ફરી રાજકોટ જેલ ભેગો કરવા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી ભરત નારણભાઇ ડાભી (ઉં.વ.30, રહે. મોરબી કેનાલ રોડ, બોરીયા જકશીની વાડી, લાડલી પાર્ટીપ્લોટની સામે) મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ 2018 ના ત્રિપલ મર્ડરના ગુનામાં (ઇ.પી.કો કલમ 302, 143, 147, 149, 34 મુજબ) આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. આ દરમિયાન નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેને 14 દિવસની ફર્લો રજા મંજૂર કરવામાં આવી હતી.

આ રજા પૂર્ણ થતાં તેને તારીખ 28-10-2025 ના રોજ રાજકોટ જીલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે નિયત સમયે જેલમાં હાજર ન થઈને જમ્પ કરી નાસી ગયો હતો. છેલ્લા 10 મહિનાથી નાસતા ફરતા આ પાકા કામના કેદીને પોલીસે દબોચી લીધો છે.